મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગરમાવા વચ્ચે રવિવારે (18મી ઑગસ્ટ) એક મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. ડેપ્યુટી સીએમ અજિત પવારની જન સન્માન યાત્રા દરમિયાન ભાજપના નેતાની આગેવાની હેઠળના પક્ષના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા હતા. જુન્નારથી ભાજપના નેતા આશા બુચકેના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોના એક જૂથે ડેપ્યુટી સીએમ અજિત પવારને કાળા ઝંડા બતાવ્યા હતા.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)એ દેવેન્દ્ર ફડણવીસને સ્પષ્ટતા કરવાની માંગ કરી કે શું તેઓ તેમના ભાજપના કાર્યકરોના વર્તન સાથે સંમત છે કે નહીં.
જાણો શું છે મામલો
ભાજપના નેતા આશા બુચકે દાવો કર્યો હતો કે, ‘એનસીપી (અજિત જૂથ) આગામી વિધાનસભા ચૂંટણી માટે જુન્નાર બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારવાનો પ્રયાસ કરી રહી છે. તે અમારું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી અમે આક્રમક વલણ અપનાવ્યું છે.’
જુન્નાર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ NCP ધારાસભ્ય અતુલ બેનકે કરે છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, અજીત પવાર અતુલ બેનકેને પ્રોત્સાહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આશા બુચકે અગાઉ શિવસેનામાં હતા અને બે વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. તે હવે જુન્નરથી વિધાનસભા ચૂંટણીની ટિકિટની આશા રાખી રહ્યા છે.
બીજી તરફ એનસીપી (અજિત જૂથ)ના પ્રવક્તા અમોલ મિટકરીએ કહ્યું કે, ‘જન સન્માન યાત્રા અમારી પાર્ટીનો સ્વતંત્ર કાર્યક્રમ છે. જે લોકો કાળા ઝંડા બતાવી રહ્યા છે તેઓએ અલગ કાર્યક્રમ યોજવો જોઈએ. અમે દેવેન્દ્ર ફડણવીસ પાસેથી તેમના પક્ષના કાર્યકરોના આ વર્તન અંગે ખુલાસો માંગીએ છીએ.