વધુમાં વધુ છ માસમાં અરજી મંજૂર કે નામંજૂર કરો : નિયમ સાથે છેડછાડ માટે સમય રહેવો ન જોઇએ : ફાયર એનઓસીની જેમ ઇમ્પેકટમાં પણ શાળા હોસ્પિટલોને અગ્રતા અપાશે
મ્યુનિ. કોર્પોરેશનની ટીપી શાખાનો ભ્રષ્ટાચાર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ છાપરે ચડીને પોકારી રહ્યો છે અને તપાસની કાર્યવાહી સામે રોજ નવા સવાલો ઉઠતા જાય છે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગમાં ગેરકાયદે બાંધકામોને નોટીસ આપવાથી માંડી ડિમોલીશન, ઇમ્પેકટ ફીની ફાઇલોના નિકાલ જેવી વહીવટી પ્રક્રિયા પણ સ્થગિત જેવી હાલતમાં આવી ગઇ છે. નોટીસ હોય કે ઇમ્પેકટ કાયદા અંગેની કાર્યવાહી, ખુબ ચોકસાઇથી કામગીરી કરવા કમિશ્નરે ટીપી વિભાગને સૂચના આપી છે.
તો ઇમ્પેકટની અધુરી ફાઇલો મૂકનારા પાસે પૂરા દસ્તાવેજોની ઉઘરાણી કરી સમયમર્યાદામાં તેનો નિકાલ કરી નાંખવા પણ જણાવ્યું છે. છેલ્લા લગભગ દોઢ મહિનાથી મ્યુનિ. કોર્પોરેશન આરોપીની જેમ ટીઆરપી ગેમ ઝોનના બનાવને લગતી વિગતો પોલીસ અને સરકારને પૂરી પાડવામાં ઉંધે માથે છે. હવે મોટા ભાગે તપાસ અને ધરપકડની કાર્યવાહી કોર્પો. બિલ્ડીંગ અંદર પૂરી થઇ ગયાનું લાગે છે. આ કામગીરીમાંથી હળવા થયા બાદ કમિશ્નરે ટાઉન પ્લાનીંગ અધિકારી સહિતના વિભાગ સાથે મીટીંગ કરી હતી. જેમાં રોજિંદી અને સંવેદનશીલ કાર્યવાહી વધુ ગંભીરતાથી કરવા સૂચના આપી છે.
આજે કમિશ્નરે જણાવ્યું હતું કે જે રીતે ફાયર એનઓસીમાં શાળાઓ અને હોસ્પિટલોને અગ્રતા આપવામાં આવી રહી છે તે જ રીતે ઇમ્પેકટ ફી હેઠળ વધારાનું બાંધકામ નિયમબધ્ધ કરવાની કાર્યવાહીને ટીપી શાખા પ્રાથમિકતા આપશે. ઇમ્પેકટનો કાયદો સ્પષ્ટ છે. તેની જોગવાઇઓમાં ફીટ બેસતા બાંધકામો નિયમ મુજબ રેગ્યુલર થતા હોય તો તુરંત મંજૂર કરવા માર્ગદર્શન અપાયું છે. ઇમ્પેકટ ફીની ફાઇલ બહુ લાંબો સમય વેઇટીંગમાં રાખવાને બદલે તેનો નિકાલ કરવા પણ જણાવાયું છે. એક અંદાજ મુજબ ઇમ્પેકટ ફી માટે રજૂ થયેલી 60 ટકા જેટલી ફાઇલમાં કોઇને કોઇ દસ્તાવેજ ઘટતા હોય તે રજૂ કરવા અરજદારને સૂચના આપવામાં આવે છે. અરજદારો તે રજૂ પણ કરે છે.
પરંતુ ઘણા કેસમાં આવા બાકીના દસ્તાવેજ રજૂ કરવામાં આવતા નથી આથી આવી મિલ્કતના આસામીઓને સમયાંતરે સૂચના આપીને પૂર્તતા કરવા જણાવવામાં આવ્યું છે. આદર્શ રીતે ઇમ્પેકટ ફીની ફાઇલનો છ મહિનામાં નિકાલ થઇ જવો જરૂરી છે. આ રસ્તે જ ફાઇલ મંજૂર કે નામંજૂર કરવાની કાર્યવાહી હવે શરૂ થશે. હાલ કોર્પો.માં ત્રણે ઝોનની 3100થી વધુ ફાઇલો પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. એકંદરે આવી ફાઇલોમાં રહેલી મિલ્કતના આસામીઓ કોઇ ઘટતા ડોકયુમેન્ટવગર બાંધકામ નિયમ વગર મંજૂર કરાવવા પ્રયાસ ન કરે તે જોવા પણ ટીપી વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. ભુતકાળમાં જુની તારીખમાં ઇમ્પેકટની ઘણી ફાઇલો કલીયર થયાના આક્ષેપો થયા હતા તે પણ ઉલ્લેખનીય છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog