આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને લોટરી લાગી ગઈ છે. પાકિસ્તાનના સમુદ્રમાંથી વિશ્વનો ચોથો સૌથી મોટો ઓઇલ અને ગેસનો ભંડાર મળી આવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે આ ભંડાર એટલો મોટો છે કે, તેનાથી ભારતના પાડોશી દેશનું નસીબ બદલાઈ શકે છે. એક ન્યુઝ ચેનલે એક વરિષ્ઠ અધિકારીનો હવાલો આપતાં જણાવ્યું કે, ઓઇલ અને ગેસનો ભંડાર હોવાની પુષ્ટિ માટે એક મિત્ર દેશના સહયોગથી ત્રણ વર્ષ સુધી સર્વે કરવામાં આવ્યો હતો.
ભૌગોલિક સર્વેક્ષણથી પાકિસ્તાનને ભંડારના સ્થાનની ઓળખ કરવામાં મદદ મળી. સંબંધિત વિભાગોએ સરકારને પાકિસ્તાનના સમુદ્રની સીમામાં ઓઇલ સંસાધનો અંગે જાણકારી આપી છે.
અધિકારીએ કહ્યું કે આ સંસાધનોનો લાભ મેળવવા માટે બિડિંગ અને એક્સપ્લોરેશન પ્રસ્તાવોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેનો અર્થ છે કે નજીકના ભવિષ્યમાં સંશોધન કાર્ય શરુ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, જો કે કૂવાઓનું ખોદકામ અને ખરેખર ઓઇલ કાઢવામાં વર્ષો લાગી શકે છે.
અધિકારીએ કહ્યું કે આ અંગે પહેલ કરીને અને ઝડપથી કામ પૂર્ણ કરવાથી દેશની આર્થિક સ્થિતિ બદલવામાં મદદ મળી શકે છે. કેટલાક અનુમાન જણાવે છે કે, આ શોધાયેલો ભંડાર એ દુનિયામાં ચોથો સૌથી મોટો ઓઇલ અને ગેસ ભંડાર છે.
પાકિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશ પાસે પર્યાપ્ત વિદેશી ચલણ નથી. મોંઘવારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આવી સ્થિતિમાં મોટા પ્રમાણમાં ઓઇલ અને ગેસનો ભંડાર મળવો એ પાકિસ્તાન માટે કોઈ વરદાનથી ઓછું નથી.