રાજકોટની ભાગોળે આવેલ મારવાડી કોલેજની એન્જિનિયરીંગની છાત્રાનો ન્હાતા સમયનો વીડિયો તેનાજ સાથે રહેતી અન્ય વિદ્યાર્થીનીએ ઉતારી તેના બોયફ્રેન્ડને સેન્ડ કરી વાયરલ કરતા આ મામલે વિદ્યાર્થીનીને જાણ થતાં હોબાળો મચી ગયો હતો અને વીડિયો ઉતારનાર છાત્રાને તેના રૂમ પાર્ટનરે ફટકારી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટના બાબતે મારવાડી કોલેજના સંચાલકોને જાણ થતાં તેઓ હોસ્ટેલખાતે દોડી ગયા હતા અને મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો. કુવાડવા પોલીસે આ મામલે બન્ને છાત્રાઓના પરિવારજનોને બોલાવ્યા હતાં. અને મારવાડી કોલેજના સંચાલકો તેમજ વિદ્યાર્થીનીના આ બાબતે નિવેદનો લેવાયા છે. જો કે, હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
રાજકોટની ભાગોળે આવેલી મારવાડી કોલેજ વધુ એક વખત વિવાદમાં આવતા શહેરભરમાં આ મુદ્દો હોટટોપિક બન્યો છે. મુળ આંદ્રપ્રદેશની અને એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતી અને ત્યાંની હોસ્ટેલમાં જ રહેતી બે વિદ્યાર્થીનીઓ સાથે અન્ય એક વિદ્યાર્થીની તેના રૂમમાં રહેતી હોય આંદ્ર પ્રદેશની આ છાત્રા હોસ્ટેલના બાથરૂમમાં ન્હાવા ગઈ ત્યારે અચાનક જ તેની નજર બાથરુમના ઉપરના ભાગે પડી હતી. તેની રૂમ પાર્ટનર પોતાનો ન્હાતી વખતેનો વીડિયો ઉતારતી હોય જે રંગેહાથ પકડાઈ ગઈ હતી. આ ઘટના બાદ એન્જિનિયરીંગની છાત્રાએ તેની સાથે રૂમ પાર્ટનરને જાણ કરી હતી. અને રોષે ભરાયેલી વિદ્યાર્થીએ વીડિયો ઉતારનાર તેની રૂમ પાર્ટનરને બેફામ ફટકારી હતી. જેનો વીડિયો વાયરલ થતાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
જેનો વીડિયો શુટ કરાયો હતો. તે છાત્રાએ વીડિયો બનાવનાર છાત્રાને સાવરણી વડે ફટકારી હતી. જેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હોય આ મામલો ઉગ્ર બનતા કોલેજના સંચાલકો અને હોસ્ટેલના રેક્ટર સુધી આ વાત પહોંચી હતી. થોડી જ વારમાં હોસ્ટેલના કેમ્પસમાં અન્ય છાત્રાઓ એકઠી થઈ ગઈ હતી. અને વી વોન્ટ જસ્ટિસના નારા લાગ્યા હતાં. મામલો તંગ બનતા જ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા કુવાડવા પોલીસ મથકની ટીમ મારવાડી હોસ્ટેલ ખાતે દોડી ગઈ હતી. આ મામલે વીડિયો ઉતારનાર છાત્રા અને જેનો વીડિયો વાયરલ થયો હતો તે વિદ્યાર્થીનીને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
હોસ્ટેલના સંચાલકો અને બન્ને છાત્રાઓની પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું કે, પોતાની જ રૂમ પાટનરે સાથી વિદ્યાર્થીનીનો બાથરૂમમાં ન્હાતી વખતેનો વીડિયો ઉતારી લીધા બાદ તેના બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે, આ મામલે હોસ્ટેલ અને કોલેજના સંચાલકો તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ વિદ્યાર્થીનીના વાલીઓને આંદ્રપ્રદેશથી રાજકોટ બોલાવવામાં આવ્યા છે. અને આ બાબતે હવે આગળની કાર્યવાહી વિદ્યાર્થીનીના પરિવારજનો આવ્યા બાદ થશે. આઘટનાને લઈને રાજકોટ શહેરના શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
બે દિવસમાં બે બનાવથી મારવાડી કોલેજ શહેરમાં હોટ ટોપિક બની
અવાર નવાર વિવાદમાં આવતી મારવાડી કોલેજ સતત બે દિવસથી વિવાદમાં સપડાઈ છે અગાઉ કોલેજના કેમ્પસમાં ગાંજો ઉગાડવા બાબતે થયેલો વિવાદ અને તે બાબતે ગુનો દાખલ થયા બાદ તપાસમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. ત્યારે બે દિવસમાં બે વખત મારવાડી કોલેજ ફરી વિવાદમાં આવી છે. શનિવારે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા નાયઝિરિયન વિદ્યાર્થીનીને ફૂટબોલ ગ્રાઉન્ડમાં બેફામ માર મારવામાં આવ્યો હોય તે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલથયો હતો. આ મામલે પોલીસ તેની ફરિયાદ લેવા પહોંચે તે પૂર્વે જ નાયઝિરિયન છાત્ર હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. શનિવારની આ ઘટના બાદ રવિવારે હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ કરવા બાબતે થયેલા ડખ્ખા અંગે મારવાડી કોલેજ ફરી વિવાદમાં આવી છે અને આ મુદ્દો શહેરમાં હોટટોપિક બન્યો છે.