પાકિસ્તાનથી ઈરાક જતાં શિયા સમુદાયના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ જેમાં 35 લોકો મૃત્યુ પામી ગયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી.
ઈરાનની સરકારી મીડિયા એજન્સીના અહેવાલ મુજબ સ્થાનિક ઈમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાતે ઇરાનના યજ્દ પ્રાંતમાં સર્જાઈ હતી. જ્યારે પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ગઇ હતી. જેના લીધે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.
16થી વધુ ઈજાગ્રસ્ત
અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટનામાં અન્ય 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનાના સમયે બસમાં 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ લોકો શ્રદ્ધાળુ હતા અને તેઓ અરબઈનની યાદમાં ઈરાક જઈ રહ્યા હતા. 7મી સદીમાં એક શિયા ગુરુના નિધનના 40માં દિવસે અરબઈન મનાવાય છે.