અલ્હાબાદ હાઈકોર્ટે ૩૨ વર્ષના એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે. તેને ૨૦૧૭ માં મેરઠમાં તેના નિવાસસ્થાને ૧૦૦ વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે ૨૦૨૦માં આ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી. મહિલાના પૌત્રે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ૨૯ ઓક્ટોબર, ૨૦૧૭ની રાત્રે મદદ માટે ચીસો સાંભળીને તે અને તેના પરિવારના સભ્યો તેની દાદીના રૂમમાં પહોંચ્યા હતા, અને અંકિત પુનિયાને ત્યાંથી ભાગતા જોયો હતો.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે સમયે તેની દાદી, જે છેલ્લા એક વર્ષથી પથારીવશ હતી, તે અસ્વસ્થ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બીજા દિવસે તેનું મળત્યુ થયું હતું. પુનિયા વિરુદ્ધ હત્યા, બળાત્કારની કોશિશ અને ઘરમાં ચોરીછૂપીથી ઘૂસવા સહિતના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પીડિતા દલિત હોવાથી પોલીસે તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ હેઠળ કેસ નોંધ્યો હતો. પુનિયાની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો અને ૨૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ મેરઠની કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી. બાદમાં તેણે આદેશ સામે અપીલ દાખલ કરી હતી.
હાઈકોર્ટના આદેશ અનુસાર, અપીલની સુનાવણી દરમિયાન, પુનિયાના વકીલે દલીલ કરી હતી કે મહિલાના પૌત્રએ લોનની ચુકવણી ટાળવા અને સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવવા માટે તેમના અસીલને ખોટી રીતે ફસાવ્યો હતો. વકીલે એ પણ ધ્યાન દોર્યું કે આ કેસમાં કોઈ સ્વતંત્ર સાક્ષી કે પ્રત્યક્ષદર્શી નથી.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ફરિયાદીએ સ્વીકાર્યું છે કે તે ઘટના સમયે ગાઝિયાબાદમાં તેની પત્ની સાથે રહેતો હતો. મતલબ કે તે પ્રત્યક્ષદર્શી ન હતો. તેથી, ફરિયાદી અને તેની પત્ની કે જેઓ પણ સાક્ષી તરીકે હાજર થયા હતા તેમના નિવેદનો અવિશ્વસનીય ગણવામાં આવ્યા હતા. કોર્ટે ગુનેગારને મુક્ત કર્યો.