ગાઝિયાબાદમાં ગેંગસ્ટર રાહુલ જાટ પર અંધાધૂંધ ફાયરિંગ: શરીરમાં 5 ગોળીઓ વાગવા છતાં જાતે કાર ચલાવી હોસ્પિટલ પહોંચ્યો

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ગુરુવારે રાત્રે એક સનસનાટીભરી ઘટના બની હતી. મોદીનગર પોલીસ સ્ટેશનના હિસ્ટ્રીશીટર રાહુલ જાટ પર એક અજાણ્યા હુમલાખોરે તબડતોબ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં રાહુલને 5 ગોળીઓ વાગી હતી.તેમ છતાં તે હિંમત હાર્યા વગર ગંભીર હાલતમાં પોતે કાર ડ્રાઈવ કરીને હોસ્પિટલ પહોંચ્યો હતો.

ઢાબા પર જમવા આવ્યો હતો ત્યારે થયો હુમલો

મળતી માહિતી મુજબ, રાહુલ જાટ મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH-58 પર સીકરી પાસે આવેલા એક ઢાબા પર જમવા આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રાહુલ જ્યારે પોતાની કારની ડ્રાઈવિંગ સીટ પર બેસીને કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો.ત્યારે જ એક હુમલાખોર પગપાળા આવ્યો અને તેના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ગેંગવોરની આશંકા

રાહુલ જાટ મોદીનગરનો હિસ્ટ્રીશીટર છે અને તેના પર અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં તે રાજનગર વિસ્તારમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે તેના કેટલાક સાથીઓને મળવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો ગેંગવોરનું પરિણામ હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હુમલાખોરને પકડવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની મદદ લેવામાં આવી રહી છે. હાલ રાહુલ સંજય નગરની યશોદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE