મુંબઈ ઈન્ડિયન્સનો 14 વર્ષનો દુકાળ ખતમ: રોહિત-રિકેલ્ટનની તોફાની બેટિંગ, KKR સામે મેળવી ઐતિહાસિક જીત

IPL 2026 ની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રનોનો જોરદાર વરસાદ જોવા મળ્યો હતો.મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા 14 વર્ષથી IPLની પોતાની પ્રથમ મેચ જીતી શક્યું નહોતું.પરંતુ આખરે આ હારનો સિલસિલો આજે પૂરો થયો છે. રોહિત શર્મા અને રયાન રિકેલ્ટનની ધમાકેદાર બેટિંગ તથા શાર્દુલ ઠાકુરની સચોટ બોલિંગના જોરે મુંબઈ ઈન્ડિયન્સે જીત સાથે IPL 2026ની શરૂઆત કરી છે.

KKR એ આપ્યો 221 રનનો વિશાળ લક્ષ્યાંક

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KKRની શરૂઆત શાનદાર રહી હતી. અજિંક્ય રહાણે અને ફિન એલન વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી. એલન 17 બોલમાં 37 રન બનાવી આઉટ થયો હતો. કેમેરોન ગ્રીન (18 રન) સારી શરૂઆત બાદ પેવેલિયન ભેગો થયો હતો.

અજિંક્ય રહાણેએ 40 બોલમાં 67 રનની તોફાની ઇનિંગ રમી હતી.જ્યારે અંગકૃષ રઘુવંશીએ 29 બોલમાં 51 રન ફટકાર્યા હતા.અંતમાં રિંકુ સિંહે 21 બોલમાં અણનમ 33 રન બનાવીને KKRને 220 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. MI તરફથી શાર્દુલ ઠાકુરે 3 અને હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની ઐતિહાસિક જીત

મુંબઈ ઈન્ડિયન્સ સામે 221 રનનો મોટો ટાર્ગેટ હતો.પરંતુ રોહિત શર્મા અને રયાન રિકેલ્ટનની જોડીએ તેને સરળ બનાવી દીધો હતો. બંનેએ શરૂઆતથી જ મોટા શોટ્સ રમવાનું શરૂ કર્યું અને તેમની વચ્ચે 148 રનની આક્રમક ભાગીદારી થઈ હતી. રોહિત શર્માએ 38 બોલમાં 205.26 ના સ્ટ્રાઈક રેટથી 78 રનની ઇનિંગ રમી હતી. તે વૈભવ અરોરાના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો.

બીજી તરફ, રયાન રિકેલ્ટન 43 બોલમાં 81 રન બનાવીને રમી રહ્યો હતો, ત્યારે બીજો રન લેવાના ચક્કરમાં તે રનઆઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યાના નાના પણ મહત્વના યોગદાનથી મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટ બાકી રાખીને 221 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE