IPL 2026ની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધમાકેદાર અંદાજમાં કરી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBએ તરખાટ મચાવ્યો હતો. મેચની પહેલી જ ઓવરથી જેકબ ડફીએ શિકંજો કસ્યો હતો અને 3 મોટી વિકેટ ઝડપી હતી. 200 રનથી વધુના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB માટે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે તોફાની બેટિંગ કરી હતી.કેપ્ટન રજત પાટીદારે પણ ગગનચુંબી છગ્ગા ફટકારીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રથમ મેચમાં જ એકતરફી જીત અપાવી દીધી હતી.
પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત RCBએ ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. SRHની શરૂઆત સારી રહી નહોતી અને જેકબ ડફીએ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને નીતીશ કુમાર રેડ્ડીને આઉટ કર્યા હતા. કેપ્ટન ઈશાન કિશનના 80 રન, હેનરિક ક્લાસેનના 31 રન અને અનિકેત વર્માની 43 રનની ઇનિંગના કારણે SRHએ 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા.
એવું લાગતું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ લક્ષ્યનો પીછો કરવો આસાન નહીં હોય, કારણ કે ફિલ સોલ્ટ માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે બેટિંગમાં ધમાલ મચાવી હતી. પડિક્કલે 26 બોલનો સામનો કરતા 234.62ના સ્ટ્રાઈક રેટથી 61 રન ફટકાર્યા હતા. તેના આઉટ થયા બાદ રજત પાટીદારે વિરાટ સાથે ભાગીદારી કરી હતી.રજતે 12 બોલમાં 31 રન બનાવ્યા હતા.વિરાટ એક છેડે ટકી રહ્યો હતો અને રજતના આઉટ થયા બાદ ટિમ ડેવિડ સાથે મળીને જીત સુનિશ્ચિત કરી હતી.વિરાટે 38 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી હતી અને વિનિંગ શોટ ફટકારીને RCBને માત્ર 15.4 ઓવરમાં જ 6 વિકેટે જીત અપાવી હતી.
Post Views: 0











