જાણીતા યુટ્યુબર અને બિગ બોસ 17 ના સ્પર્ધક અનુરાગ ડોભાલ (UK07 Rider) હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાંથી રજા મળ્યાના થોડા જ સમય બાદ તેમની તબિયત ફરીથી બગડી હોવાના અહેવાલ છે. રવિવાર, 15 માર્ચના રોજ તેમના મેનેજરે હેલ્થ અપડેટ શેર કરતા જણાવ્યું કે, અનુરાગને ઘરે લઈ જતી વખતે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
રસ્તામાં જ હાલત બગડી
મેનેજર રોહિત પાંડેના જણાવ્યા અનુસાર, ડોક્ટરોએ અનુરાગની હાલત સ્થિર જોઈને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો હતો. જોકે, દેહરાદૂન પરત ફરતી વખતે તેમની તબિયત નાજુક થઈ ગઈ હતી. મેનેજરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અનુરાગ એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન માસ્ક પહેરેલા જોવા મળે છે. તેમને તાત્કાલિક અન્ય મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે.
વીડિયો શેર કરતા મેનેજરે લખ્યું, “ગઈકાલે અનુરાગભાઈની હાલત સ્થિર થયા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમે તેમને દેહરાદૂન લઈ જઈ રહ્યા હતા, પરંતુ કમનસીબે રસ્તામાં જ તેમની તબિયત ફરી લથડી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. હાલ અમે તેમને નજીકની હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. તેઓ જિંદગીની જંગ લડી રહ્યા છે.”
ન્યુમોનિયા અને અકસ્માતની અસર
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અનુરાગ ડોભાલનો અકસ્માત થયો હતો, જેનું તેમણે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ પણ કર્યું હતું. અકસ્માત બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરાયા હતા. 14 માર્ચે મેનેજરે માહિતી આપી હતી કે અનુરાગને ન્યુમોનિયા પણ થઈ ગયો છે, જેના કારણે તેમની સ્થિતિ વધુ જટિલ બની છે.
પરિવારમાં ખુશીના આગમન પહેલા ચિંતાનું મોજું
અનુરાગ ડોભાલ ટૂંક સમયમાં પિતા બનવાના છે. તેમની પત્ની રિતિકા હાલમાં નવ મહિનાની ગર્ભવતી છે અને તે સતત હોસ્પિટલમાં અનુરાગની સાથે છે. આ કપલ તેમના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યું છે, પરંતુ તે પહેલા અનુરાગની આ ગંભીર તબિયતને કારણે ચાહકોમાં પણ ચિંતા ફેલાઈ છે.
Post Views: 0











