પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષની વચ્ચે ભારત સરકાર દેશમાં રસોઈ ગેસ (LPG) નો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે એક્શન મોડમાં છે. ઉર્જા સુરક્ષા અને મેરીટાઇમ લોજિસ્ટિક્સના મોરચે ભારતે મોટી સફળતા મેળવી છે. એક તરફ સમુદ્ર માર્ગે ગેસનો જથ્થો ભારત આવી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક સ્તરે કાળાબજાર કરનારાઓ સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના મુંદ્રા અને કંડલા પોર્ટ પર થશે ગેસનું આગમન
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ શનિવારે જણાવ્યું હતું કે, ‘શિવાલિક‘ અને ‘નંદા‘ નામના બે વિશાળ LPG ટેન્કરો હોર્મુઝ પાસ પસાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે.
-
કુલ જથ્થો: આ બંને જહાજોમાં કુલ 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે.
-
આગમન તારીખ: આ શિપમેન્ટ 16 અને 17 માર્ચ દરમિયાન ગુજરાતના મુંદ્રા પોર્ટ અને કંડલા પોર્ટ પર લંગરશે.
-
અસર: આટલી મોટી માત્રામાં ગેસ આવવાથી સ્થાનિક બજારમાં માંગ અને પુરવઠાનું સંતુલન જળવાશે અને ઔદ્યોગિક તેમજ ઘરેલું ગ્રાહકોને રાહત મળશે.
30 ભારતીય નાવિકોની સુરક્ષિત ઘરવાપસી
દરિયાઈ ક્ષેત્રે ચાલી રહેલી હિલચાલ વચ્ચે ભારતીય ક્રૂ મેમ્બર્સની સુરક્ષા પણ પ્રાથમિકતા રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 30 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. કટોકટીના સમયે સરકારની આ સફળ કામગીરી દરિયાઈ લોજિસ્ટિક્સ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે આશ્વાસનરૂપ સાબિત થઈ છે.
કાળાબજારિયાઓ સામે ‘સર્જિકલ સ્ટ્રાઈક‘: દેશભરમાં દરોડા
ગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઉભી કરનારા તત્વો સામે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમોએ દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે:
-
ઉત્તર પ્રદેશ: સૌથી વધુ કાર્યવાહી અહીં જોવા મળી છે, જ્યાં 1400 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને 19 લોકો સામે કેસ નોંધાયા છે.
-
અન્ય રાજ્યો: ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરીને ગેરરીતિ અટકાવવામાં આવી રહી છે.
Post Views: 321











