‘વન નેશન, વન ઈલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું. ત્યારે ચાલો જાણીએ શું છે આ ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ, શા માટે મોદી સરકાર આને લાગૂ કરવા માંગે છે.
અત્યારે આખા દેશમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચાઓ ચાલી રહી છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે આજે સંસદમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી બિલ રજૂ કર્યું છે. આ બિલ આજે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. વિપક્ષ એક દેશ એક ચૂંટણીનો સતત વિરોધ કરી રહ્યો છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને પણ મોકલવા માંગે છે. જો JPC મંજૂરી આપે છે અને બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થઈ જાય છે, તો તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ આ બિલ કાયદો બની જશે. જો આમ થશે તો 2029 સુધીમાં દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાશે.
શું છે વન નેશન વન ઇલેક્શન?
હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય.
એક સાથે ચૂંટણી શા માટે ઇચ્છે છે સરકાર
નવેમ્બર 2020 માં, પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા મંચો પર ‘વન નેશન વન ઇલેક્શન’ પર વાત કરી હતી. તેમણે કહ્યું છે કે, “એક દેશ, એક ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય છે તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે.”
આ બિલના વિરોધમાં અપાઈ રહી છે આવી દલીલો
વન નેશન વન ઇલેક્શનને લઈને વિપક્ષ અનેક પ્રકારની દલીલો કરી રહ્યો છે. કોંગ્રેસની દલીલ છે કે જો ચૂંટણી એકસાથે યોજાય તો મતદારોના નિર્ણયને અસર થવાની સંભાવના છે. જો 5 વર્ષમાં એકવાર ચૂંટણી થાય તો સરકારની જનતા પ્રત્યેની જવાબદારી ઓછી થઈ જશે.
વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરવા રચવામાં આવી હતી સમિતિ
વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. કોવિંદની સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ, જાણીતા વકીલ હરીશ સાલ્વે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એનકે સિંહ, પોલિટિકલ સાઇન્ટિસ્ટ સુભાષ કશ્યપ, ભૂતપૂર્વ કેન્દ્રીય વિજિલન્સ કમિશનર (CVC) સંજય કોઠારી સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તેને 18 સપ્ટેમ્બરે મોદી કેબિનેટે મંજૂરી આપી હતી.
વન નેશન વન ઇલેક્શન પર કોવિંદ કમિટીનું સૂચન
કોવિંદ સમિતિએ સૂચન કર્યું કે તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી લંબાવવામાં આવે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકાય છે. બીજા તબક્કામાં 100 દિવસની અંદર નાગરિક ચૂંટણી યોજાઈ શકે છે. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં, બાકી 5 વર્ષ કાર્યકાળ માટે નવેસરથી ચૂંટણીઓ કરાવી શકાય છે. ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી અધિકારીઓની સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરી શકે છે. કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે ઉપકરણો, મેન પાવર અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરી છે.
કેવી રીતે તૈયાર થયો રિપોર્ટ
આ માટે સમિતિએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો. જેમાંથી 32 પાર્ટીઓએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું. જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે 15 પક્ષો એવા હતા જેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. 191 દિવસના સંશોધન પછી, સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો. સમિતિનો અહેવાલ 18 હજાર 626 પાનાનો છે.
કયા દેશોથી લેવામાં આવ્યો રેફરન્સ
વન નેશન વન ઇલેક્શન માટે ઘણા દેશોના બંધારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. સમિતિએ સ્વીડન, જાપાન, જર્મની, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયાની ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. આવતા વર્ષે મે મહિનામાં દક્ષિણ આફ્રિકામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જ્યારે સ્વીડન ચૂંટણી પ્રક્રિયા માટે Proportional Electoral System અપનાવે છે. જો જર્મની અને જાપાનની વાત કરીએ તો અહીં પહેલા પીએમની પસંદગી થાય છે અને પછી બાકીની ચૂંટણીઓ થાય છે. આ જ રીતે ઇન્ડોનેશિયામાં પણ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એક સાથે થાય છે.
વન નેશન વન ઇલેક્શન માટે કયા પક્ષો તૈયાર છે?
વન નેશન વન ઇલેક્શનને ભાજપ, નીતીશ કુમારની જેડીયુ, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), ચિરાગ પાસવાનની એલજેપી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ સાથે આસામ ગણ પરિષદ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) અને શિવસેના (શિંદે) જૂથે પણ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. સાથે જ YSR કોંગ્રેસે પણ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે.
કયા પક્ષોએ વિરોધ કર્યો?
વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કરનાર સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ છે. આ સિવાય સમાજવાદી પાર્ટી (SP), આમ આદમી પાર્ટી (AAP), CPM સહિત 15 પાર્ટીઓ તેની વિરુદ્ધ હતી. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા (JMM), ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) સહિત 15 પક્ષોએ વન નેશન વન ઇલેક્શન પર કોઈ જવાબ આપ્યો નથી.
કાયદા પંચના જણાવ્યા અનુસાર, વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરશે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરીની જરૂર પડી શકે છે. બંધારણની કલમ 368(2) મુજબ, આવા સુધારા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી જરૂરી હોય છે.
શું દેશમાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય છે?
સંસદમાં વન નેશન વન ઇલેક્શન બિલ પાસ કરવા માટે બે તૃતિયાંશ રાજ્યોની સંમતિ જરૂરી રહેશે. જો અન્ય રાજ્યોમાંથી સંમતિ લેવાની જરૂર પડશે, તો મોટાભાગની બિન-ભાજપ સરકારો તેનો વિરોધ કરશે. ઘણા વિપક્ષી દળો આ અંગે સંકેત આપી ચૂક્યા છે. જ્યારે જો સંસદ દ્વારા પસાર કરીને જ કાયદો બનાવવો શક્ય હોય તો પણ ઘણી કાનૂની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જે રાજ્યોમાં તાજેતરમાં સરકાર ચૂંટાઈ છે તેઓ આનો વિરોધ કરશે. તેઓ કાર્યકાળ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. ભાજપ અને બિન-ભાજપ રાજ્ય સરકારો વચ્ચેના મતભેદો એટલા વધારે છે કે વન નેશન વન ઇલેક્શન પર સર્વસંમતિ સાધવી શક્ય જણાતી નથી.
વન નેશન વન ઇલેક્શન લાગુ થયું તો કઈ વિધાનસભાઓનો કાર્યકાળ ઘટી શકે છે?
જો વન નેશન વન ઇલેક્શન લાગુ થયું તો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડનો વર્તમાન કાર્યકાળ 3 થી 5 મહિના સુધી ઘટશે. જ્યારે ગુજરાત, કર્ણાટક, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરાના કાર્યકાળમાં પણ 13 થી 17 મહિનાનો ઘટાડો થશે. આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીના વર્તમાન કાર્યકાળમાં ઘટાડો થશે.