રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધના 1000 દિવસ પૂર્ણ થયા છે. યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ યુદ્ધને રોકવા ભારતે બંને દેશને શું અપીલ કરી. યુક્રેનને મદદથી પુતિનની કેમ ઊંઘ હરામ થઈ તેમજ ટ્રમ્પ પાસે રશિયાને શું આશા છે જાણો મહાયુદ્ધની ઈનસાઈડ સ્ટોરી…
Russia Ukraine War: રશિયા અને યક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોની ખુવારી થઈ છે તેમજ અનેક લોકો બે ઘર થયા છે તો કેટલાક પરિવારો પોતાના વતન છોડવા મજબૂર બન્યા છે. આ મહાયુદ્ધના 1000 દિવસ પૂરા થયા છે ત્યારે યુદ્ધની અસર યુરોપિયન દેશો પર પડી છે તેમજ વિશ્વના ઘણા દેશો યુદ્ધથી પ્રભાવિત થયા છે.
યુક્રેનનો રશિયાને જડબાતોડ જવાબ ચાલુ
રશિયન સેનાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો. શરુઆતમાં રશિયાને એમ હતું કે યુદ્ધમાં યુક્રેન ટકી શક્શે નહીં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેનની સેના રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. એટલું જ નહીં, યુક્રેને કુર્સ્કને પણ રશિયા પાસેથી કબજે કરી લીધું છે.
ટ્રમ્પે યુદ્ધ રોકાવી દેવાની વાત કરી
યુક્રેનને પશ્ચિમી દેશોમાંથી જે મદદ મળી રહી છે તેનાથી પુતિન સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે . જોકે, રશિયાને આશા છે કે ટ્રમ્પના શાસનમાં અમેરિકા યુક્રેનને જે મદદ આપી રહ્યું છે તે બંધ થઈ શકે છે. નોંધનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ અનેક વખત બોલી ચૂક્યા છે કે, તે એક દિવસમાં જ રશિયા-યુક્રેન યુદ્ધને રોકાવી શકે છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે ‘લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લાખો લોકો માર્યા ગયા છે. જેમાં સૈનિકો અને સામાન્ય લોકો બંને છે. માટે આપણે યુદ્ધને રોકવા માટે કામ કરવું પડશે. મારી સરકારની પ્રાથમિકતા યુદ્ધને રોકવાની રહેશે’.
યુક્રેનની વહારે બાયડન સરકાર
જો કે નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચાર્જ સંભાળે તે પહેલા જ જો બાયડન એ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે કે યુક્રેનને આવતા વર્ષે યુદ્ધમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે ‘રાષ્ટ્રપતિ જો બાયડન યુક્રેનને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે, તેથી તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે યુક્રેન આવતા વર્ષે રશિયાના આક્રમણ સામે લડી શકે. આ માટે, અમે શક્ય તેટલી મદદ મોકલી રહ્યા છીએ, જેથી યુક્રેન રશિયન શૈનિકોને દૂર રાખી શકે અને સંભવિત હુમલામાં મજબૂત પકડ જાળવી શકે.’
શિયાળામાં યુક્રેનિયનોની હાલત બની કફોડી
આ યુદ્ધમાં યુક્રેન માટે શિયાળાની ઋતુમાં યુદ્ધ લડવુ એ મોટો પડકાર છે. ત્યારે રવિવારે, રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. રશિયાનો હેતુ યુક્રેનની એનર્જી ગ્રીડને નિશાન બનાવવાનો છે. થોડા દિવસો પહેલા, રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે ‘રશિયાએ યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચરના અડધા હિસ્સાને નષ્ટ કરી દીધું છે.’ હવે યુક્રેને ફરી એનર્જી ગ્રીડના પુન નિર્માણ માટેની મદદ માગી છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં શિયાળો ઝડપથી નજીક આવી રહ્યો છે અને દેશ પહેલેથી જ ઉર્જાની મોટી તંગીથી પીડાઈ રહ્યો છે. હાલમાં સેંકડો યુક્રેનિયનોએ મેટ્રો સ્ટેશનોમાં બનેલા બંકરોમાં આશ્રય લઈ રહ્યા છે.
રશિયા વાતચીત માટે તૈયાર પણ…
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ મહાયુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશોના બંને દેશોના હજારો સૈનિકો માર્યા ગયા છે, તેમજ સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે યુદ્ધમાં ઓછામાં ઓછા 11,700 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. રશિયા ઈચ્છે છે કે યુક્રેન NATOમાં સામેલ ન થઈને તટસ્થ રહે તેમજ યુક્રેન તેના કેટલાક વિસ્તારોને રશિયન ક્ષેત્ર તરીકે ગણે. આ ઉપરાંત રશિયાનું કહેવું છે કે જો યુક્રેન આ શરતો સ્વીકારે તો તે વાતચીત માટે તૈયાર છે. અને યુક્રેનિયન સૈનિકોની સુરક્ષિત વાપસીની ખાતરી આપશે.