ચોટીલાના નાની મોલડી ગામની ઘટના: સંતાનોની ફીના રૂપિયાનો પણ મેળ નહીં પડતા પગલું ભર્યુ
રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદને પગલે લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને અતિશય વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા હોય તેમ પાકમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરવાનો આદેશ કરાયા છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ચોટીલા તાલુકાના નાના મોલડી ગામે રહેતા ખેડૂતે ભારે વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતાં આર્થિક સંકડામણના કારણે સંતાનોની ફી ભરવાના રૂપિયાનો પણ મેળ નહીં પડતાં આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા રમેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ઝેરી દવા પી લેનાર યુવકનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ ચૌહાણ બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ ચૌહાણ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારે વરસાદના કારણે રમેશભાઈ ચૌહાણના ખેતરમાં ધોવાણ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે થયેલી નુકસાનીથી રમેશભાઈ ચૌહાણ પાસે વાવણી કરવા અને છોકરાઓની ફી ભરવાના રૂપિયાનો મેળ નહીં પડતાં આર્થિક ભીંસમાં સપડાયેલા રમેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.