શહેરના પંચનાથ પ્લોટમાં દેરાસરે દર્શન માટે આવેલા પટેલ કારખાનેદર ઉપર પૂર્વ મકાનમાલીક શખ્સે જીવલેણ હુમકો કરી છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અગાઉ પણ બે વખત આરોપીએ હુમલો ર્ક્યો હતો. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે હોસ્પિટલે દોડી જઇ આરોપી વિરુદ્ધ ગુનો નંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ હરીધવા રોડ પર આવેલી અયોધ્ય સોસાયટી શેરી નં.5માં રહેતો અમીતભાઇ પરસોતમભાઇ સગપરીયા (ઉ.વ.40) આજે સવારે 8 વાગ્યાના અરસામાં પત્ની રીનાબેન સાથે પંચનાથ પ્લોટમાં આવેલા દિગમ્બર જૈન દેરાસરે દર્શન કરવા આવ્યા હતા. દરમિયાન દેરાસર પાસે હતા ત્યારે ભાવેશ ગોલ નામના શખ્સે ધસી આવી પત્નીની નજર સામે જ અમીતભાઇ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી છાતીના ભાગે તથા સાથળમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત અમીતભાઇ બે ભાઇમાં મોટા અને સોરઠીયાવાડી સર્કલ પાસે 80 ફૂટ રોડ પર શીવ હાર્ડવેર નામનું કારખાનું ધરાવે છે. પત્ની રીનાબેન જૈન ધર્મ પાળતા હોવાથી તેઓ પણ જૈન ધર્મ પાળે છે અને દંપતિ દરરોજ સવારે દેરાસરમાં અભિષેક કરવા જાય છે. વધુ તપાસમાં અમીતભાઇ પાંચેક વર્ષ પહેલા આરોપીના મકાનમાં ભાડે રહેતા હતા અને એક વર્ષ પહેલા તેઓ કોઠારીયા રોડ પર કેદારનાથના ગેઇટ પાસે હતા ત્યારે આરોપીએ હુમલો ર્ક્યો હતો. બાદમાં બે મહિના પહેલા પણ નંદા હોલ પાસે આરોપીએ તેના પર હુમલો ર્ક્યો હતો. ત્યારે આજે ત્રીજી વખત હુમલો ર્ક્યો છે. જો કે, હુમલો શા માટે ર્ક્યો? તે અંગે કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.