બે દિગ્ગજ અભિનેત્રીનું ‘ભાઈ’ એ ટેન્શન વધાર્યું, બાઈક ચાલકને કાર વડે મારી ટક્કર, પોલીસે કરી ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી એક્ટર સમ્રાટ મુખર્જીની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની કાર કથિત રીતે બાઈક સાથે અથડાઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બેહાલાના વિદ્યાસાગર કોલોની નિવાસી 29 વર્ષીય બાઈક ચાલકને અકસ્માત બાદ શરૂઆતમાં એમ.આર બંગુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ બાદમાં આગળની ટ્રીટમેન્ટ માટે તેને એસએસકેએમ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે સમ્રાટની તપાસ કરવામાં આવી રહી છે.

બાઈક ચાલકે ઘટના અંગે જણાવ્યું કે, હું રાત્રે લગભગ 12:30 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રોન્ગ સાઈડથી તેજ રફ્તાર આવી રહેલી કારે મને ટક્કર મારી દીધી, જેના કારણે હું બેહોશ થઈ ગયો.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સમ્રાટ મુખર્જી બેહાલાથી ટોલીગંજ તરફ જઈ રહ્યો હતો અને અચાનક તેણે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો. જેના કારણે તેની કાર મોટરસાઈકલ સાથે અથડાઈ હતી. બાઈક સાથે અથડાયા બાદ તેની કાર નજીકના ઘર સાથે પણ અથડાઈ હતી, જેના કારણે ઘરની બાઉન્ડ્રી વોલ ડેમેજ થઈ ગઈ હતી.

હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. બેહાલા પોલીસ સ્ટેશને સમ્રાટની કાર જપ્ત કરી લીધી છે. મંગળવારે 20 ઓગસ્ટે તેને કોલકાતાની અલીપોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને 23 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

અનેક બંગાળી ટીવી શો નો હિસ્સો રહ્યો છે

સમ્રાટ કાજોલ, રાની મુખર્જી, તનિષા મુખર્જી અને બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીનો પિતરાઈ ભાઈ છે. તેણે રામ ઔર શ્યામ, ભાઈ ભાઈ, જંજીર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘તપેશ્યા’, ‘કાકા નંબર 1’ અને ‘આકાશ કુસુમ’ જેવા બંગાળી ટીવી શોનો પણ હિસ્સો રહી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE