ઓગષ્ટમાં અટલ સરોવર ખાતે સ્ટે.કમીટી બોલાવવા વિચારણા
આજની મીટીંગમાં 47 દરખાસ્ત : અધિકારીઓને હાયર ગ્રેડનો લાભ : ગ્રાન્ટના કામો માટે સરકારને કરાશે દરખાસ્ત
મ્યુનિનિસિપલ કોર્પોરેશનની સ્ટે. કમીટીની મીટીંગ તા. 16ના મંગળવારે ચેરમેને બોલાવી છે. આ મીટીંગમાં સ્ટે. કમીટી ચેરમેન માટે નવી હાઇબ્રીડ ઇનોવા કાર 25.48 લાખના ખર્ચે ખરીદવાની દરખાસ્ત આવી છે. 2016માં સ્ટે.ચેરમેન અને કમિશ્નર માટે નવી કાર ખરીદવામાં આવી હતી. આ બાદ 2018માં કમિશ્નર માટે નવી કાર વસાવવામાં આવી હતી. ચેરમેનની ખખડેલી કાર 2.88 લાખ કિ.મી. ચાલી ગઇ છે. મોટો મેન્ટેનન્સ ખર્ચ આવે છે. આથી હાઇબ્રીડ કાર પ્રથમ વખત રાજકોટ કોર્પો.માં ખરીદાશે. જયમીન ઠાકરે કહ્યું હતું કે સીટીમાં ઇલે. અને હાઇવે પર ડિઝલથી ચાલે એવી આ કારની ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ છે. અમદાવાદમાં આ પ્રકારની કાર વસાવવામાં આવી છે. જુની ગાડીના વધતા ખર્ચના કારણે કમિશ્નરે આ દરખાસ્ત મોકલી છે. આજની મીટીંગના એજન્ડા પર કુલ 48 દરખાસ્તો છે. વોર્ડ નં.14માં ગીતા મંદિર રોડ, જયનાથ હોસ્પિટલ પાછળ, શાક માર્કેટ પાસે આવેલા વોંકળાથી વાણીયાવાડી-6ને જોડતો ફૂટ બ્રીજ બનાવવા 23 લાખનો ખર્ચ કરવા દરખાસ્ત આવી છે. કોર્પો.ના વર્ગ-2ના પગાર લેવલ 9ના અધિકારીઓને 12 વર્ષ બાદ સાતમા પગાર પંચનો રૂા.5400ના બદલે 6600નો ગ્રેડ આપવા દરખાસ્ત આવી છે. જેનો લાભ 20 અધિકારીને મળશે. ફાયર વિભાગના ડ્રાઇવરોને લઘુતમ વેતન દરમાં સામેલ કરવાની દરખાસ્ત પણ કમિશ્નરે મોકલી છે. ગત મીટીંગમાં પેન્ડીંગ પ્લેનેટોરીયમના કોમ્પ્યુટર વિભાગના સંચાલન, કર્મચારીઓને આર્થિક સહાય, ડીઆઇ પાઇપલાઇન, વોર્ડ નં.12 મવડી બ્રીજ નીચે પબ્લીક ટોયલેટના ઓપરેશનની કામગીરી આપવા, વોર્ડ નં.9 મુંજકા ગેટ સુધી રોડ પહોળો કરવા, વોર્ડ નં.3 માધાપર પ્લાન્ટમાં વૃક્ષારોપણ, વોર્ડ નં. 2, 3, 7 અને 13, 14, 17માં સફાઇ કોન્ટ્રાકટની મુદત લંબાવવા દરખાસ્ત આવી છે. ગ્રાન્ટ દરખાસ્ત સ્વર્ણિમ જ્યંતિ યોજના હેઠળના 2024-25ના મળવાપાત્ર ગ્રાન્ટની દરખાસ્ત ફાયનાન્સ બોર્ડને મોકલવા પ્રસ્તાવ આવ્યો છે. હવેની સ્ટેન્ડીંગ તા. 14 ઓગષ્ટ આસપાસ અટલ સરોવરે યોજવા વિચારણા થઇ છે. અગાઉ રામવનમાં મીટીંગ મળી હતી તે ઉલ્લેખનીય છે.