કચેરીમાં એવું તો શું રંધાતું હશે કે જેની ગંધ શુધ્ધા મીડિયાને ન આવે એવો લેવાયો નિર્ણય!?
પોલીસ કમિશ્નર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે અને પત્રકારો ફોટોગ્રાફરો સાથે થયેલા બેહુદા વર્તન અંગે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ટોળાશાહીમાં રજુઆત કરવા નહિ આવવાનો અને પત્રકારો અને ફોટોગ્રાફરોને પણ એકઠા થઇ નહિ આવવાનો મેં નિયમ બનાવ્યો છે. તેનું ઉલ્લંઘન ન થવું જોઇએ.
પત્રકારો અને ફોટોગ્રાફરો પણ કાયદાથી પર નથી. તેવો આશ્ચર્યજનક પ્રત્યુતર તેમણે પાઠવ્યો હતો. ઝા ને પત્રકારોએ અને ફોટોગ્રાફરોએ શું ગુન્હો કર્યો? તેવું પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ટોળા રૂપે આવવું એ ગુન્હો છે. અત્યાર સુધી નાગરીકોના પ્રશ્ને થતી રજુઆતો, શાસક-વિપક્ષો દ્વારા થતી રજુઆતોમાં મોટી સંખ્યામાં જન પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફરો પત્રકારો જતા હોવાની રાજકોટની સિસ્ટમ હું નહિ ચલાવી લઉં તેવું તેમણે જણાવ્યું હતું. એકઠા થઇ જવું એ ઝા ની નજરમાં ગુન્હો છે. ત્યારે આવતા દિવસોમાં પત્રકારો અને ફોટોગ્રાફરો પણ જો એકઠા થઇ રીપોર્ટીંગ માટે પોલીસ કમિશ્નર કચેરી ખાતે જાય તો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે તો નવાઇ નહિ. આ બાબતે ગૃહમંત્રી સુધી રજૂઆત કરવાની તૈયારી પત્રકાર આલમમાં થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.