સૌથી વધુ ચર્ચા રાજકીય બાબતોની સમિતિની છે. આ કમિટીમાં વડાપ્રધાન મોદી ઉપરાંત 12 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટ કમિટીમાં તેને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. તેને સુપર કેબિનેટ પણ કહેવામાં આવે છે.
કેબિનેટની રચનાના 25 દિવસ બાદ મોદી સરકારે કેબિનેટ કમિટીઓની જાહેરાત કરી દીધી છે. સરકારે નિમણૂકોથી લઈને રોકાણ વધારવા સુધીની વિવિધ સમિતિઓમાં ૩૦ કેબિનેટ પ્રધાનોને સ્થાન આપ્યું છે. ચાર સમિતિઓમાં વિશેષ આમંત્રિત તરીકે રાજ્યકક્ષાના પ્રધાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જો કે સૌથી વધુ ચર્ચા રાજકીય બાબતોની સમિતિની છે. આ કમિટીમાં વડાપ્રધાન મોદી ઉપરાંત 12 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટ કમિટીમાં તેને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આ સમિતિના પ્રસ્તાવ પર કેબિનેટ દેશની રાજનીતિ સાથે જોડાયેલા મોટા નિર્ણયો લે છે.
આવી સ્થિતિમાં, ચાલો આપણે તે 12 મંત્રીઓ વિશે જાણીએ કે જેઓ દેશના મોટા નિર્ણયો લેવામાં સામેલ થશે.
પહેલા જાણો કેબિનેટ સાથે જોડાયેલી આ સમિતિઓ વિશે
દેશની કારોબારી ભારત સરકારના એલોકેશન ઓફ બિઝનેસ રૂલ્સ, 1961 હેઠળ કામ કરે છે. ભારતના બંધારણમાં કેન્દ્રીય મંત્રીમંડળનો ઉલ્લેખ છે, પરંતુ તેમાં તેની સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી કેબિનેટ સમિતિઓને બંધારણીય સમિતિઓનો દરજ્જો મળતો નથી.
બિઝનેસ રૂલ્સ હેઠળ કેબિનેટ કમિટીઓની રચના કરવામાં આવે છે. બિઝનેસ રૂલ બંધારણના અનુચ્છેદ 77(3)થી પ્રેરિત છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પાસે કેબિનેટના સરળ અને સુવિધાજનક કામકાજ માટે ફાળવણી માટે નિયમો બનાવવાની સત્તા છે.
આ અંતર્ગત કેબિનેટની અંદર નિમણૂક, સુરક્ષા, રાજકીય, સંસદીય, કૌશલ્ય વિકાસ અને રોકાણ અને વૃદ્ધિ સમિતિઓની રચના કરવામાં આવે છે. કઈ સમિતિમાં કયા મંત્રીઓ હશે તે વડાપ્રધાન નક્કી કરે છે.
રાજકીય બાબતોની સમિતિનું કાર્ય શું છે?
રાજકીય વર્તુળોમાં આ સમિતિને સુપર કેબિનેટ પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમિતિ દેશના રાજકારણ અને આંતરિક બાબતોમાં ડ્રાફ્ટ તૈયાર કરે છે. કેન્દ્રીય સચિવાલયના જણાવ્યા અનુસાર, રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ રાજ્ય અને રાજ્યોની સમસ્યાઓ સાથે સંબંધિત છે.
સંઘીય વ્યવસ્થાને કારણે ભારતના અલગ અલગ રાજ્યોમાં સરકારમાં અલગ અલગ પક્ષો છે. કેન્દ્રનું કામ આ રાજ્યો વચ્ચે સંકલન કરીને યોજનાઓનો અમલ કરવાનું છે.
આ સિવાય આ સમિતિ એવું પણ જુએ છે કે કોઈ રાજકીય કે આર્થિક મુદ્દો દેશને આંતરિક રીતે નુકસાન પહોંચાડતો નથી. સાથે જ આ સમિતિની જવાબદારી વિદેશ સાથે જોડાયેલી નીતિગત બાબતોનું આકલન કરવાની પણ છે.
રાજકીય બાબતોની કેબિનેટ સમિતિમાં કોણ છે?
કેન્દ્રીય સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, રાજકીય બાબતોની સમિતિમાં આ વખતે વડા પ્રધાન સહિત કુલ 13 સભ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી, આરોગ્ય પ્રધાન જે પી નડ્ડા, વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ આ સમિતિનો ભાગ છે.
આ નામો ઉપરાંત લઘુ ઉદ્યોગ પ્રધાન જીતનરામ માંઝી, શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનોવાલ, ઉડ્ડયન પ્રધાન કેઆર નાયડુ, વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, મહિલા વિકાસ પ્રધાન અનુપૂર્ણા દેવી, સંસદીય પ્રધાન કિરેન રિજિજુ અને કોલસા પ્રધાન જી કિશન રેડ્ડી પણ શામેલ છે.
રાજ્યવાર જોઈએ તો આ સમિતિમાં ગુજરાતના બે, મહારાષ્ટ્રના બે, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર, હિમાચલ અને રાજસ્થાનના એક-એક મંત્રી છે.
સમિતિમાં ભાજપના ક્વોટામાંથી 10 અને ગઠબંધનના 2 સાથી પક્ષોને સ્થાન આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણ, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા અને પ્રહલાદ જોશીને આ વખતે કમિટીમાં સામેલ કરવામાં આવ્યા નથી.
અમિત શાહ 8, નડ્ડા માત્ર 2 સમિતિઓમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેબિનેટની તમામ આઠ સમિતિઓના સભ્ય છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 6 સમિતિઓમાં સામેલ છે. રાજનાથ સિંહ નિમણૂકોની કેબિનેટ સમિતિ અને આવાસ અંગેની કેબિનેટ સમિતિમાં નથી. ભાજપના અધ્યક્ષ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા માત્ર બે સમિતિઓ (સંસદીય અને રાજકીય બાબતો)માં છે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને આર્થિક બાબતોની સમિતિમાં સ્થાન મળ્યું છે. માર્ગ નિર્માણ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીને 5 સમિતિઓમાં સામેલ કરવામાં આવ્યા છે. ગડકરીને આવાસ, રાજકીય, આર્થિક, કૌશલ્ય અને વિકાસ સંબંધિત સમિતિઓમાં સામેલ કરવામાં આવ્યા છે.
જેડીયૂ કોટાથી મંત્રી બનેલા લલન સિંહને આર્થિક મામલા અને સંસદીય મામલાની સમિતિમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ટીડીપીના કેઆર નાયડુ રાજકીય બાબતો અને સંસદીય બાબતોની સમિતિના સભ્ય બન્યા છે.
ચિરાગ પાસવાનને ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.