કેનેડાના PR અપાવવાના બહાને અમદાવાદના યુવક સાથે રૂ. 21.50 લાખની ઠગાઈ, મુંબઈની ટોળકી સામે ફરિયાદ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે કેનેડાના પરમેનન્ટ રેસિડેન્સી (PR) વિઝા અપાવવાના બહાને મુંબઈની ઠગ ટોળકીએ રૂ. ૨૧.૫૦ લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. વિદેશમાં સ્થાયી થવાની લાલચ આપી બોગસ કરાર અને નકલી મંજૂરી પત્રો આપીને લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. આ મામલે ભોગ બનનાર યુવકે સી.આઈ.ડી. (CID) ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખામાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિઝા કૌભાંડ અને છેતરપિંડીની મુખ્ય વિગતો:
-
મુંબઈના એજન્ટો સાથે સંપર્ક: નિકોલના ન્યુ ઇન્ડિયા કોલોની રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય મિતેશ કથીરીયાને વર્ષ ૨૦૨૨માં કેનેડા જવું હતું. તેમના મોટાભાઈના પરિચિત મારફતે મુંબઈના ડૉ. જિતેન્દ્ર જોશીનો સંપર્ક થયો હતો, જેમણે પોતે મુંબઈના મલાડ સ્થિત ‘એસિએલ ઓવરસીઝ’ના મુખ્ય એજન્ટ હોવાનું જણાવી અલ્પા નંદાણી ઠક્કર સાથે મુલાકાત કરાવી હતી.
-
૬ મહિનામાં રૂ. ૨૧.૫૦ લાખ પડાવ્યા: ફેબ્રુઆરી ૨૦૨૨માં અલ્પા ઠક્કરે અમદાવાદના પ્રહલાદનગર ખાતે મુલાકાત યોજી PR પ્રક્રિયા માટે અંદાજે રૂ. ૧૮ લાખનો ખર્ચ જણાવ્યો હતો. ત્યારબાદ કંપનીના સિક્કા અને સહી સાથેનું કરારનામું કરીને અલગ-અલગ બહાના હેઠળ ૬ મહિનાના ગાળામાં ઓનલાઈન ટ્રાન્સફર મારફતે કુલ રૂ. ૨૧.૫૦ લાખ મેળવી લીધા હતા અને વિશ્વાસ જીતવા ટેક્સ ઈનવોઈસ પણ મોકલ્યા હતા.
-
નકલી મંજૂરી પત્ર અને બહાનાબાજી: જૂન ૨૦૨૨માં અરજી મંજૂર થઈ ગઈ હોવાની એક પીડીએફ (PDF) ફાઈલ મોકલી આપી હતી. બાદમાં નરોડા એસ.પી. રિંગ રોડ પરની એક રેસ્ટોરન્ટમાં અલ્પાબેને પોતાની બહેન તરીકે દ્રષ્ટિ ચૌધરીની ઓળખ કરાવી વધુ નાણાં પડાવ્યા હતા. લાંબા સમય સુધી વિઝા ન મળતા પૂછપરછ કરાઈ ત્યારે હોસ્પિટલમાં દાખલ હોવાના કે એમ્બેસીની મીટિંગમાં હોવાના બહાના બતાવી આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા.
-
અગાઉ પણ કૌભાંડો આચર્યાનો ખુલાસો: ફરિયાદી મુંબઈ જઈને ડૉ. જિતેન્દ્ર જોશીને મળતા તેમણે ઓફિસ બંધ થઈ ગઈ હોવાનું જણાવી પૈસા પરત અપાવવાની ખાતરી આપી ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું. જોકે, અલ્પા ઠક્કર અને દિવ્યેશ પટેલ સામે અગાઉ પણ ગાંધીનગર CID ક્રાઈમ અને મુંબઈના મલાડ પોલીસ મથકમાં લાખો રૂપિયાના વિઝા કૌભાંડના ગુના નોંધાયા હોવાનું જાણવા મળતા ઠગાઈની પુષ્ટિ થઈ હતી.
-
ચાર આરોપીઓ સામે ગુનો દાખલ: ભોગ બનનાર મિતેશ કથીરીયાએ અલ્પા ઠક્કર, દિવ્યેશ પટેલ, ડૉ. જિતેન્દ્ર જોશી, દ્રષ્ટિ ચૌધરી તેમજ એસિએલ ઓવરસીઝ અને એટલાન્ટિક સ્ટડી ઓવરસીઝના સંચાલકો સામે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










