Diwali 2026: રાજ્યભરમાં દિવાળી તહેવારને લઈને ગુજરાત ફાયર વિભાગ સજ્જ, નાગરિકોની સુરક્ષામાં 24 કલાક ટીમો રહેશે સ્ટેન્ડબાય
દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ આગના બનાવો સહિતની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્યના તમામ મુખ્ય શહેરોના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા વિશેષ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારોની ભીડભાડ અને ફટાકડાના ઉપયોગને ધ્યાને રાખી રાજ્યભરમાં ફાયર વિભાગના કર્મચારીઓ ફાયર ટેન્ડર અને અદ્યતન સાધનો સાથે ૨૪ કલાક ખડે પગે ફરજ બજાવશે. આ ઉપરાંત નાગરિકોની ત્વરિત સહાય માટે ડાયલ ૧૧૨ ની સાથે હંગામી ધોરણે ઈમરજન્સી નંબર ૧૦૧ પણ સક્રિય કરવામાં આવ્યો છે.
મુખ્ય શહેરોમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસનું આયોજન:
-
અમદાવાદ: શહેરના ૧૮ ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર રખાયા છે. કાલુપુર, રિલીફ રોડ, લાલ દરવાજા અને બાપુનગર જેવા અતિ ગીચ વિસ્તારોમાં ‘મોટર સાઈકલ વિથ મિસ્ટ ટેકનોલોજી’ અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ તૈનાત કરાયા છે. જ્યારે એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી. રિંગ રોડ પર વોટર બાઉઝર સાથે ટીમો સ્ટેન્ડબાય રહેશે.
-
રાજકોટ: શહેરના કુલ ૧૦ ફાયર સ્ટેશનો ખાતે સજ્જ ફાયર ફાઈટિંગ ટીમો અને ઇમરજન્સી વાહનો ૨૪ કલાક સ્ટેન્ડબાય મોડ પર રહેશે.
-
જૂનાગઢ: ગિરનાર દરવાજા, દોલતપરા, આઝાદ ચોક, ઝાંસીની રાણી ચોક, ઝાંઝરડા ચોકડી અને મધુરમ ગેટ એમ ૬ મહત્વપૂર્ણ સ્થળોએ ૧૨-૧૨ કલાકની શિફ્ટ મુજબ કુલ ૧૨૦ કર્મચારીઓ તૈનાત રહેશે.
-
ભાવનગર: ઘોઘા ગેટ, સંસ્કાર મંડળ, જવાહર મેદાન અને ખારગેટ સહિત ૧૧ સ્થળોએ ૧૨-૧૨ કલાકની શિફ્ટમાં ૧૧૮ કર્મચારીઓ જરૂરી વાહનો સાથે ફરજ પર રહેશે.
-
જામનગર: ૩ મુખ્ય ફાયર સ્ટેશન, ૪ હંગામી સ્ટેશન (સમર્પણ સર્કલ, ડીકેવી સર્કલ વગેરે) તેમજ દરબારગઢ અને રંગમતી નદીના પટમાં ફટાકડા બજાર સહિત ૯ સ્થળોએ ૧૩૦ કર્મચારીઓ તૈનાત કરાયા છે.
-
ગાંધીનગર: સેક્ટર-૧૭, સરગાસણ, ભાટ અને રાંધેજા એમ ૪ ફાયર સ્ટેશનો ખાતે ૨૭ જરૂરી ફાયર અને ઇમરજન્સી વાહનો સાથે કર્મચારીઓ ૨૪ કલાક સ્ટેન્ડબાય રહેશે.
-
વડોદરા: શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફાયર ટેન્ડર અને વોટર બાઉઝર સાથે સજ્જ ટીમો ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે.
તંત્રની નાગરિકોને અપીલ: ગાંધીનગર સ્થિત ફાયર વિભાગની નિયામકશ્રીની કચેરી દ્વારા રાજ્યના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ફટાકડા ફોડતી વખતે ખુલ્લી જગ્યા પસંદ કરવી, જ્વલનશીલ પદાર્થોથી દૂર રહેવું અને બાળકો સાથે વડીલોની હાજરી અવશ્ય રાખવી. કોઈપણ કટોકટીમાં તંત્રને ત્વરિત સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.










