અમદાવાદ: AMC દ્વારા ૧૮૦ પટાવાળા આઉટસોર્સિંગથી રાખવા રૂ. ૫ કરોડનું કામ ટેન્ડર વિના આપવાનો કારસો; કરારપત્ર અને ડિપોઝિટમાંથી મુક્તિ અપાતા વિવાદ

AMC એ ફરી નિયનો નેવે મૂક્યા, 180 પીયૂન પુરા પાડવા 5 કરોડનું કામ વગર ટેન્ડરે આપવાનો કારસો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં નિયમોને નેવે મૂકીને વર્ગ-૪ (પટાવાળા) ની આઉટસોર્સિંગ ભરતીમાં મોટું કૌભાંડ આચરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૫ હજારથી વધુ કર્મચારીઓનું વિશાળ મહેકમ હોવા છતાં, પટાવાળાની અછતનું બહાનુ ધરીને આશરે ૧૮૦ પટાવાળા પૂરતા પાડવા માટે રૂ. ૫ કરોડનું કામ ટેન્ડર પ્રક્રિયા વગર જ ત્રણ ચોક્કસ ખાનગી એજન્સીઓને સોંપવાનો તખ્તો ઘડાયો છે. આ અંગે બુધવારે મળનારી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) માં સીધી દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે.

ટેન્ડર પ્રક્રિયા અને નાણાકીય વિસંગતતા અંગેની મુખ્ય વિગતો:

  • નિયમોમાં મોટી છૂટછાટ: વિવાદસ્પદ બાબત એ છે કે જે ત્રણ ખાનગી એજન્સીઓને ટેન્ડર વગર કામ સોંપાઈ રહ્યું છે, તેમને કરારપત્ર ભરવા તેમજ નિયમ મુજબની ડિપોઝિટ જમા કરાવવામાંથી પણ મુક્તિ આપવાની ખાસ જોગવાઈ દરખાસ્તમાં રાખવામાં આવી છે.

  • જૂના ઠરાવનો ગેરલાભ: ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા મંજૂર કરાયેલા જૂના ઠરાવને આધાર બનાવીને આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. દરખાસ્ત મુજબ, એક વર્ષ માટે ત્રણ એજન્સીઓ પાસેથી ૬૦-૬૦ પટાવાળા (કુલ ૧૮૦) મેળવવામાં આવશે.

  • વેતનમાં મોટો તફાવત અને ભ્રષ્ટાચારની શંકા:

    • સરકારી ગણતરી મુજબ એક પટાવાળા પાછળ વાર્ષિક રૂ. ૨.૭૭ લાખ એટલે કે માસિક રૂ. ૨૩,૧૫૦ નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.

    • જોકે, વાસ્તવિકતામાં આઉટસોર્સિંગથી આવતા કર્મચારીઓને માત્ર રૂ. ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ સુધીનો જ માસિક પગાર મળે છે, જ્યારે બાકીની મસમોટી રકમ એજન્સીઓના ખિસ્સામાં જતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

  • કામ મેળવનારી એજન્સીઓ: અલ્ટ્રામોર્ડન એજન્સી, ક્લીન ઇન્ડિયા અને શાશ્વત સાફ્લ્ય પ્રા. લિમિટેડ નામની ત્રણ એજન્સીઓને આ કામગીરી વહેંચી આપવામાં આવશે. જેમાંથી દરેક એજન્સીના ૯ કર્મચારી સેક્રેટરી ઓફિસમાં અને ૫૧ કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય ખાતાઓમાં ફાળવાશે.

  • વિરોધ અને આશંકા: આટલી મોટી રકમનું કામ ટેન્ડર વિના જ ચોક્કસ એજન્સીઓને પધરાવી દેવાના AMC તંત્રના આ નીતિનિયમ વિરુદ્ધના નિર્ણય સામે મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ચર્ચા અને આક્રોશ જાગ્યો છે. હવે સ્થાયી સમિતિ આ વિવાદસ્પદ દરખાસ્તને મંજૂરી આપે છે કે નહીં તેના પર સહુની નજર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE