AADHAAR કાર્ડમાં નામ સુધારવાના નિયમો વધુ કડક કરાયા! UIDAIની નવી SOP જાહેર, હવે અલગ એફિડેવિટ આપવું પડશે
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં નામ અપડેટ અને ફેરફાર કરવા અંગે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે.
નવી માર્ગદર્શિકા મુજબ નામમાં નાની-મોટી ભૂલો સુધારવા, લગ્ન કે છૂટાછેડા બાદ અટક બદલવા અથવા નામમાં મોટો ફેરફાર કરવા માટે અલગ-અલગ ચોક્કસ શપથપત્ર (અનુબંધ) અને દસ્તાવેજો રજૂ કરવા પડશે.
UIDAI મુજબ સામાન્ય રીતે આધારમાં નામ સુધારવા માટે બે વાર મંજૂરી આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કે મોટા ફેરફારો માટે સરકારી ગેઝેટ નોટિફિકેશન અનિવાર્ય બનાવવામાં આવ્યું છે.
મુખ્ય હાઇલાઇટ્સ અને નવી SOP ની મહત્વની જોગવાઈઓ:
-
ડેટા એન્ટ્રી ભૂલ સુધારણા: ભૂલથી ખોટું નામ નોંધાયું હોય તો સાચા આધાર દસ્તાવેજ સાથે પુખ્ત વયના લોકો માટે ‘અનુબંધ-બી’ અને સગીરો માટે ‘અનુબંધ-સી’ શપથપત્ર આપવું પડશે.
-
લગ્ન/છૂટાછેડા બાદ સરનેમ ફેરફાર: લગ્ન કે છૂટાછેડા પછી અટક બદલવા માટે ‘અનુબંધ-ડી’ શપથપત્ર અને ઓળખના પુરાવા જરૂરી.
-
‘ઉર્ફ’ (Alias) હટાવવા માટે: નામમાંથી ઉર્ફ હટાવી એક જ નામ રાખવા પુખ્ત માટે ‘અનુબંધ-ઇ’ અને સગીર માટે ‘અનુબંધ-એફ’ ની જોગવાઈ.
-
મોટો નામ ફેરફાર અને પદવી: પ્રથમ કે આખું નામ બદલવા ગેઝેટ નોટિફિકેશન ફરજિયાત છે. તેમજ ડૉક્ટર, કર્નલ કે શ્રી/શ્રીમતી જેવા પ્રિફિક્સ કે પદવી હટાવવા પણ વિશેષ નિયમો નક્કી કરાયા.
આધાર ધારકોએ હવે પોતાના કિસ્સાની યોગ્ય શ્રેણી મુજબ નિર્ધારિત શપથપત્ર અને દસ્તાવેજો સાથે જ અરજી કરવાની રહેશે.











