અમદાવાદમાં રસ્તાના ખાડા માટે નવી ટેક્નોલોજી

બે કલાકમાં રોડ રિપેર, વાહનવ્યવહાર ફરી શરૂ થશે; સમય-પાણી-મજૂરી બચશે, પરંતુ ખર્ચ વધશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોંક્રિટ રોડ પરના ખાડા અને તૂટેલા ભાગોના ઝડપી સમારકામ માટે જીઓપોલિમર ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવાની દિશામાં પગલાં લેવાયા છે. નવી પદ્ધતિથી ક્ષતિગ્રસ્ત ભાગનું જ રિપેરિંગ કરી શકાશે અને કામ પૂર્ણ થયા બાદ આશરે બે કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી શકાશે.

સામાન્ય પદ્ધતિમાં મોટા ખાડા કે નુકસાન માટે આખી કોંક્રિટ પેનલ તોડવી પડતી હોય છે. જ્યારે જીઓપોલિમર ટેક્નોલોજીમાં જરૂરિયાત મુજબ માત્ર નુકસાન થયેલા ભાગનું સમારકામ થઈ શકશે. આથી રસ્તો લાંબા સમય સુધી બંધ રાખવાની અને ટ્રાફિક ડાયવર્ઝનની સમસ્યા ઘટી શકે છે.

સિમેન્ટના બદલે ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ

આ ટેક્નોલોજીમાં પરંપરાગત સિમેન્ટ આધારિત સામગ્રીને બદલે ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ અને મિનરલ આધારિત બાઇન્ડર્સનો ઉપયોગ થાય છે. પાણી ઉમેર્યા બાદ સામગ્રી ખાડામાં ભરવામાં આવે છે અને ઝડપી મજબૂતી પ્રાપ્ત કરે છે. પરીક્ષણ મુજબ આશરે 24 MPa મજબૂતી બે કલાકમાં પ્રાપ્ત થવાનો દાવો કરવામાં આવ્યો છે.

પાણી અને મજૂરીની પણ બચત

રિપેરિંગ બાદ પરંપરાગત રીતે કરાતું લાંબું ક્યોરિંગ જરૂરી ન હોવાથી પાણી, મજૂરી અને દેખરેખમાં બચત થઈ શકે છે. ચોમાસા દરમિયાન યોગ્ય પરિસ્થિતિમાં પણ આ પદ્ધતિથી સમારકામ કરી શકાય તેવો દાવો કરવામાં આવ્યો છે.

પરંતુ ખર્ચ વધશે

ઝડપી અને ટકાઉ રિપેરિંગના ફાયદા સામે જીઓપોલિમર ટેક્નોલોજીનો પ્રારંભિક ખર્ચ સામાન્ય પદ્ધતિ કરતાં થોડો વધારે હોવાનું AMC તરફથી જણાવાયું છે. એટલે સમય અને સંસાધનોની બચત સામે કોર્પોરેશનના રોડ રિપેરિંગ બજેટ પર વધારાનો બોજ આવી શકે છે.

AMC દ્વારા આ કામ માટે બે વર્ષની Defect Liability Period (DLP) રાખવામાં આવશે, એટલે આ સમયગાળા દરમિયાન રિપેર કરાયેલા ભાગમાં નિર્ધારિત ખામી જણાય તો જવાબદારી મુજબ તેનું સમારકામ કરવાનું રહેશે.

સવાલ હવે એ છે કે—વધુ ખર્ચની આ ટેક્નોલોજી ખરેખર લાંબા ગાળે રસ્તાની ગુણવત્તા સુધારે છે કે માત્ર ખાડા પૂરવાની ઝડપ વધારશે? અમદાવાદના કરદાતાઓ માટે તેનો જવાબ કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE