ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓ સામે FDCAની મોટી કાર્યવાહી, ₹83 લાખથી વધુનો જથ્થો સ્થગિત

ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર વેચાણ અને અનધિકૃત સંગ્રહ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. વિવિધ ફાર્મા પેઢીઓમાં દવાઓના સ્ટોક, ખરીદ-વેચાણના બિલો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોના ભંગ સામે આવતા કેટલીક પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, જ્યારે એક પેઢીનું દવા વેચાણનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

કાર્યવાહીની મુખ્ય વિગતો

  • બાલાજી ફાર્મામાંથી રૂ. 83.07 લાખથી વધુ કિંમતની 37,762 બોટલનો જથ્થો સ્થગિત કરાયો.
  • હેલ્થ પોઇન્ટ ફાર્માનું દવા વેચાણનું લાઇસન્સ રદ કરાયું.
  • જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી કોડીનયુક્ત સિરપનો જથ્થો સ્થગિત કરાયો.
  • અનેક પેઢીઓના બિલો અને રેકોર્ડમાં ક્ષતિ મળતા કારણદર્શક નોટિસ અપાઈ.
  • અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ.

બાલાજી ફાર્મામાં તપાસ દરમિયાન કોડીન ધરાવતી Rexton-T Syrupની મોટી માત્રામાં બોટલો મળી આવી હતી. જથ્થાની અંદાજિત કિંમત રૂ. 83 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર સ્ટોકના વેચાણ પર રોક લગાવી તેનો નમૂનો લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યો છે. પેઢીને નિયમોના ભંગ અંગે સ્પષ્ટતા આપવા માટે નોટિસ પણ આપવામાં આવી છે.

બીજી તરફ કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્મા સામેની કાર્યવાહી વધુ કડક બની છે. અગાઉ આપવામાં આવેલી શો-કોઝ નોટિસનો જવાબ સંતોષકારક ન જણાતા પેઢીનું દવા વેચાણનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદની જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી પણ કોડીનયુક્ત સિરપનો જથ્થો મળી આવતા તેને સ્થગિત કરવામાં આવ્યો છે.

આ પેઢીઓ પણ તપાસના ઘેરામાં

  • ફાર્માલિન લાઇફસાયન્સિસ
  • રેઇન રેમેડીઝ
  • કેપિટલ ફાર્મા
  • HRDM ગ્લોબલ સોલ્યુશન્સ
  • કૃષ્ણા ફાર્મા

આ પેઢીઓમાં દવાઓના ખરીદ-વેચાણ સંબંધિત દસ્તાવેજો અને નિયમોનું પાલન ચકાસવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ ક્ષતિઓ સામે આવતા કારણદર્શક નોટિસ પાઠવી સ્પષ્ટતા માગવામાં આવી છે. તંત્ર દ્વારા સંબંધિત રેકોર્ડની વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

પ્રિસ્ક્રિપ્શન વગર કોડીનયુક્ત દવા વેચનાર સામે કડક કાર્યવાહી

કોડીનયુક્ત દવાઓનો દુરુપયોગ અટકાવવા માટે તંત્ર દ્વારા નિયમિત તપાસ અને સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના આવી દવાઓનું વેચાણ કે નિયમો વિરુદ્ધ તેનો સંગ્રહ કરનાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવી તપાસ વધુ તેજ બનવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE