ગાડીઓની વધતી માંગ સામે સપ્લાય ટૂંકી પડી, બજેટ વેરિઅન્ટ્સ ખરીદવા ગ્રાહકોની લાંબી લાઈન
નવી દિલ્હી:
E20 (ઇથેનોલ બ્લેન્ડેડ) પેટ્રોલના કારણે વાહનોની એવરેજમાં પડેલો ફટકો અને એન્જિન મેન્ટેનન્સના વધેલા ખર્ચે ભારતીય ગ્રાહકોનો મૂડ બદલી નાખ્યો છે. પેટ્રોલના વધતા આર્થિક બોજથી બચવા માટે હવે દેશમાં ઇલેક્ટ્રિક (EV) અને CNG વાહનોની ખરીદીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. અચાનક આવેલી આ ડિમાન્ડ બોમ્બના કારણે કાર ઉત્પાદક કંપનીઓનો સપ્લાય ચેઇન ખોરવાયો છે અને ગ્રાહકોને ડિલિવરી માટે મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે.
કઈ ગાડી માટે કેટલી રાહ જોવી પડશે?
-
મહિન્દ્રા XEV 9S: ગ્રાહકોમાં આ નવી ઇલેક્ટ્રિક SUVનો ભારે ક્રેઝ છે, જેનો વેટિંગ પીરિયડ 6 મહિના સુધી પહોંચી ગયો છે.
-
ટાટા પંચ EV અને ટિઆગો EV: બજેટ-ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ટાટાના આ બંને મોડેલ્સ માટે 18 થી 24 અઠવાડિયા (આશરે 4.5 થી 6 મહિના) સુધીનું વેઇટિંગ છે. (Sierra EV ના બેઝ વેરિઅન્ટ પર પણ 12-24 અઠવાડિયાની રાહ જોવી પડશે).
-
TVS iQube (ટુ-વ્હીલર): ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં આ મોડેલ ખરીદવા માટે 4 થી 5 મહિનાનું લિસ્ટ ચાલી રહ્યું છે.
-
મારુતિ બ્રેઝા (CNG): પેટ્રોલ સિવાયના વિકલ્પોની માંગ એટલી વધી છે કે બ્રેઝાના કુલ બુકિંગમાંથી 70% હિસ્સો માત્ર ટર્બો-પેટ્રોલ અને CNG વેરિઅન્ટ્સનો જ છે.
ઇન્ક્વાયરીમાં 30% નો ઉછાળો, સસ્તા વેરિઅન્ટ્સ પહેલી પસંદ
છેલ્લા 5 મહિનામાં જે ગાડીઓ 1 મહિનામાં મળી જતી હતી, તે હવે 3 થી 4 મહિને પણ મુશ્કેલીથી મળે છે. શોરૂમ્સ પર EV અને CNG વાહનોની ઇન્ક્વાયરી અને બુકિંગમાં સાધારણ પેટ્રોલ વાહનોની સરખામણીએ બમણી ગતિએ 30% નો વધારો નોંધાયો છે.
વિશેષરૂપે, ગ્રાહકો સસ્તા અને એન્ટ્રી-લેવલ EV વેરિઅન્ટ્સ (જેમ કે Punch EV Smart 30) પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. સામે મોંઘા મોડેલો 4 થી 6 અઠવાડિયામાં મળી જાય છે.
તહેવારોમાં ડિલિવરી માટે મુશ્કેલી વધશે
આગામી સમયમાં ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા મુખ્ય તહેવારો શરૂ થઈ રહ્યા હોવાથી, ઓટો નિષ્ણાતોના મતે આ વેઇટિંગ પીરિયડ હજુ વધુ લાંબો થઈ શકે છે. જો તમે પણ તહેવારોમાં નવી EV કે CNG ગાડી ઘરે લાવવાનું વિચારી રહ્યા હોવ, તો અત્યારથી જ બુકિંગ કરાવવું અનિવાર્ય બનશે.











