રાજકોટ: એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, માણેકનગર દ્વારા સંચાલિત દિવ્યાંગ દીકરીઓના મફત રહેણાંક તાલીમ કેન્દ્ર ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાની માનસિક દિવ્યાંગ દીકરીઓએ રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રે સેવા આપતા મહાનુભાવોને રાખડી બાંધી રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરી હતી.
આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેરના પ્રમુખ શ્રી માધવભાઈ દવે, મેયર શ્રી નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, રાજકોટ ટીઆરબીએલના ચેરમેન શ્રી અનિલભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર, CGST કમિશનર, PGVCLના MD સહિતના અધિકારીઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી હતી.
દિવ્યાંગ દીકરીઓ દ્વારા પોતાના હસ્તે બનાવેલી 11,000 જેટલી રાખડીઓ રાજકોટના સેવાભાવી મહાનુભાવોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના સાથે અર્પણ કરવામાં આવી હતી. સાથે જ કંકુ, ચોખા, સાકર અને નાળિયેરથી સન્માન કરી રાખડી બાંધી હતી. રાખડીનું વેચાણ ન કરીને તેને ઈશ્વરીય પ્રસાદરૂપે રાખડી બની રહે તે માટે સ્નેહથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.
રક્ષાબંધન પર્વના આ પવિત્ર પ્રસંગે એકરંગ પરિવાર દ્વારા શહેરના વિવિધ સેવાભાવી લોકો સાથે સામાજિક સેતુ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસ્થાની દીકરીઓએ આશીર્વાદ અને ભોજન સાથે મહાનુભાવોને પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સંસ્થાના જણાવ્યા મુજબ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકરંગ સંસ્થાના પ્રમુખ દીપિકાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાની દીકરીઓને સમય આપવા બદલ મહાનુભાવોના સહયોગ અને લાગણી બદલ સંસ્થા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે રાજકોટની જનતાને રક્ષાબંધન પર્વ અને આવનારા જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.











