જીતેન્દ્ર શિયાળ ઉના
વેરાવળમાં પવિત્ર શ્રાવણ માસ (નાળિયેરી પૂનમ)ના પાવન પર્વ નિમિત્તે આજ રોજ તારીખ ૨૭/૦૮/૨૦૨૬ના રોજ વેરાવળ બંદર ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા રત્નાકર સાગર (દરિયાદેવ)નું વિધિવત પૂજન-અર્ચન તેમજ નાળિયેર અર્પણ કરવાનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.
અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને સમસ્ત ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાની આગેવાનીમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે દરિયાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. ગુજરાતના તમામ માછીમાર ભાઈઓની સુખ-સમૃદ્ધિ, સુરક્ષા અને ઉત્તરોત્તર પ્રગતિ માટે સાગરદેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પરંપરાગત પૂજન બાદ સાગરખેડૂતો દ્વારા નવી ફિશિંગ સીઝન અને ધંધા-રોજગારનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પૂજાવિધિ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા, ઉપપટેલ ગોપાલભાઈ ફોફંડી મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ માછીમાર હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી તેમજ ખારવા સમાજના પંચ-પટેલ અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં સાગરખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Post Views: 0











