પાટડી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકની ટીમે કુલ રૂ. ૩.૫૧ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
પાટડી ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે દસાડા-વડગામ રોડ પર આવેલ કોયલ માતાના મંદિર પાસે, નર્મદા કેનાલની ધાર નજીક ચાલતા જુગારધામ પર સફળ રેઇડ કરવામાં આવી હતી. મોડી રાત્રે જાહેર જગ્યામાં મોબાઇલ ફોનની લાઇટના અજવાળે ગોળ કુંડાળું વળી પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા ઇસમો પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો.
પોલીસ ટીમને જોતાં જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી, જેમાં અંધારાનો લાભ લઈને છ જેટલા શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓ—રહીમભાઈ મહેબુબભાઈ સીપાઈ (ઉં.વ. ૪૦, રહે. દસાડા) અને ઇરફાનશા મહેબુબશા દિવાન (ઉં.વ. ૨૦, રહે. દસાડા)ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોની અંગઝડતી તથા પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧૧,૬૫૦/-, ગંજીપાના તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળેથી જુગારના સાહિત્ય ઉપરાંત બે મારુતિ ઇકો ગાડી (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-) અને એક સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. ૩૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૩,૫૧,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર થઈ ગયેલા અન્ય ૬ આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.











