ગીર સોમનાથના વિકાસના આકાશમાં નવી ઉડાન!

કોડીનારમાં દેશના નવા સેટેલાઈટ લોન્ચિંગ સ્ટેશન માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ; ISRO–IN-SPACeના સર્વે બાદ તંત્રમાં દોડધામ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિકાસના ઇતિહાસમાં સુવર્ણ પાનું ઉમેરાય તેવી મોટી હલચલ શરૂ થઈ છે. કોડીનાર ખાતે દેશના મહત્વપૂર્ણ નવા સેટેલાઈટ લોન્ચિંગ સ્ટેશન (સ્પેસપોર્ટ)ની સ્થાપના માટેની વહીવટી પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. ISRO અને IN-SPACeની ટેકનિકલ ટીમ દ્વારા હાથ ધરાયેલા સર્વે બાદ હવે સ્પેસપોર્ટ માટે જરૂરી જમીન સંપાદનની પ્રારંભિક કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે આંધ્રપ્રદેશના હરિકોટા બાદ દેશના વધુ એક મહત્વપૂર્ણ સ્પેસપોર્ટ માટે ગુજરાતના કોડીનાર વિસ્તારની પસંદગીની ચર્ચાએ સમગ્ર ગીર સોમનાથનું ધ્યાન ખેંચ્યું છે. કોડીનારનો વિશાળ દરિયાકાંઠો, ભૌગોલિક સ્થાન અને સમુદ્ર તરફનું ખુલ્લું ક્ષેત્ર ઉપગ્રહ પ્રક્ષેપણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે ખાસ કરીને પોલર ઓર્બિટમાં ઉપગ્રહો લોન્ચ કરવા માટે કોડીનારનો દરિયાકાંઠો ભૌગોલિક અને વ્યૂહાત્મક રીતે અનુકૂળ હોવાનું ટેકનિકલ અભ્યાસમાં સામે આવ્યું હોવાનું જાણવા મળે છે સેટેલાઈટ લોન્ચિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ સાકાર થાય તો કોડીનાર માત્ર ગીર સોમનાથ કે સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દેશના સ્પેસ ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી શકે છે. ભારતના ઝડપથી વિકસતા સ્પેસ સેક્ટર માટે ગુજરાતનું આ દરિયાકાંઠાનું શહેર ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી સંભાવના છે સ્પેસપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી આગળ વધે તે સાથે કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસની શક્યતાઓ પણ વધી શકે છે. રસ્તા, પરિવહન, વીજળી, સંચાર, ટેકનિકલ સેવાઓ તથા અન્ય જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે વિકાસની દિશા ખુલી શકે છે.
સાથે જ સ્થાનિક યુવાનો માટે ટેકનિકલ અને રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે. આસપાસના વિસ્તારમાં ઉદ્યોગો, સર્વિસ સેક્ટર, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પણ નવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે.
કોડીનારના દરિયાકાંઠે સ્પેસપોર્ટની સ્થાપના માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ સમગ્ર ગીર સોમનાથના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે.
એક તરફ સોમનાથની પવિત્ર ધરતી અને ગીરની વૈશ્વિક ઓળખ, તો બીજી તરફ કોડીનારના આકાશમાંથી અવકાશ તરફ થનારી સંભવિત નવી ઉડાન—આ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની નવી ગાથા લખી શકે છે.
જો આ મહત્ત્વાકાંક્ષી યોજના અંતિમ સ્વરૂપ ધારણ કરે છે, તો કોડીનારનું નામ ભારતના સ્પેસ મેપ પર સુવર્ણ અક્ષરે લખાવાની દિશામાં આ એક ઐતિહાસિક શરૂઆત ગણાશે

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE