G7 SUMMIT PM MODI: ગુરુવારથી ઇટલીમાં જી-7 સમિટ શરૂ થઇ રહી છે. આ સંમેલનમાં દુનિયાભરના અનેક દેશોના ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. પરંતુ સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાને ઇટાલીના આમંત્રણ પર માફી માંગતા હાજર રહેવાનો ઇનકાર કરી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ઇટલીમાં શરૂ થઇ રહેલી 50મી જી-7 સમિટમાં ભાગ લેવા માટે દિલ્હીથી રવાના થશે. ત્રીજી ટર્મ માટે કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. પરંતુ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ સમિટમાં જવાની ના પાડી દીધી છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ જી-7 સમિટમાં કેમ નથી જઇ રહ્યા તેનું કારણ પણ આપવામાં આવ્યું છે. ખરેખર, આ સમયે સાઉદીમાં હજ યાત્રા ચાલી રહી છે. વિશ્વભરમાંથી લાખો યાત્રાળુઓ સાઉદી અરેબિયા ગયા છે અને સાઉદી સરકારનું સંપૂર્ણ ધ્યાન હજને સફળ બનાવવાનું છે. આવી સ્થિતિમાં ક્રાઉન પ્રિન્સે પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.
સાઉદી પ્રેસ એજન્સીએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે ક્રાઉન પ્રિન્સ સલમાને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને એક સંદેશ મોકલ્યો હતો અને આમંત્રણ બદલ તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હજના પ્રસંગે અધિકારીઓની દેખરેખને કારણે તેઓ જી 7 માં ભાગ લઈ શકશે નહીં. આ સાથે જ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને બંને દેશો વચ્ચેના સારા સંબંધોની પ્રશંસા કરી હતી અને જી-7ને સફળ ઘટનાની શુભેચ્છા પાઠવી હતી.
સાઉદી પ્રિન્સે માંગી માફી
સાઉદી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રિન્સ સલમાને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની માફી માંગી છે કારણ કે હજના સમયપત્રકને કારણે તેઓ સમિટમાં ભાગ લઈ શકશે નહીં.” હજની શરૂઆત 14 જૂનથી થવાની છે, જેમાં સાઉદી અરબના મક્કામાં 10 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે.
પીએમ મોદી ઇટલીની મુલાકાતે
નરેન્દ્ર મોદી ગુરુવારે 50મી જી-7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી જવા રવાના થઇ રહ્યા છે. ત્રીજી ટર્મ માટે પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. મોદી 14 જૂને જી-7ના આઉટરીચ સેશનમાં એક હાઈ-એન્ડ ડેલિગેશન સાથે ભાગ લેશે. આ સત્રમાં એઆઈ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
G7 સમિટ
ઈટલીના અપુલિયા ક્ષેત્રમાં બોર્ગો અગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં 13થી 15 જૂન દરમિયાન જી-7 સમિટ યોજાશે. આ વખતે જી-7 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. જી7 (ગ્રુપ ઓફ સેવન)માં અમેરિકા, યુકે, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. આ સાત દેશો લશ્કરી અને આર્થિક દ્રષ્ટિએ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં સામેલ છે. આ 7 દેશોમાં દુનિયાની 10 ટકા અને જીડીપીની 40 ટકા વસ્તી છે. જી-૭માં સમાવિષ્ટ ૭ દેશોમાંથી ૩ દેશો પાસે યુએનમાં વીટો પાવર છે. જી-7 સમિટમાં આ તમામ દેશો વિશ્વના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને તેના ઉકેલ માટે એક માળખું તૈયાર કરે છે.
ભારત અને યુરોપિયન યુનિયન જેવા દેશો અને સંગઠનો જી ૭ નો ભાગ નથી પરંતુ તેઓ ઇટાલીના આમંત્રણ પર અતિથિ તરીકે જોડાઈ રહ્યા છે. જી-7 સમિટ માટે ભારત ઉપરાંત ઇટાલીએ ભારત ઉપરાંત અલ્જીરિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, મોરિટાનિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ટ્યુનિશિયા, તુર્કી, યુએઇ અને સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિત કેટલાક આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ આમંત્રણ આપ્યું છે. અત્યાર સુધી યોજાયેલી 49 જી-7 કોન્ફરન્સમાંથી ભારત 10માં સામેલ થઈ ગયું છે.