નર્મદા મૈયા બ્રિજ પરથી પોતાની જાતે નદીમાં યુવાન કૂદી પડ્યો હતો : પોલીસે ઉલટતપાસ કરતાં ઈસમે સાચી હકીકત જણાવી
ભરૂચ,
અંક્લેશ્વરનો શખ્સ રાત્રીના સમયે નર્મદામાં ડૂબતો હોઇ તેને બચાવી લેવાતાં તેણે પહેલાં વ્યાજખોરોએ તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતાં પત્નીના કંકાસથી આંત્યેતિક પગલું ભરવાનો ઇરાદો કરી નર્મદામાં કુદી ગયો હોવાની કબુલાત કરી છે. જોકે, આ લખાય છે ત્યાં સુધી આ મામલામાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. અંક્લેશ્વમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્રપ્રસાદ શાહને નર્મદા નદીમાંથી બચાવી લેવાયો હતો. સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવ્યાં બાદ તેની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ભરૂચના તખતસિંંગ સરદાર નામના શખ્સ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતાં. જે પરત ન કરી શકતાં તેઓ ત્રાસ આપતાં હતાં. દરમિયાન ગઇકાલે વ્યાજખોરના મળતિયાઓએ તેને મળવાના બહાને બોલાવી તેને અંક્લેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લઇ ગયાં હતાં. જ્યાં તે રૂપિયા ન આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી. રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતાં તેને વ્યાજખોરના મળતિયાઓએ નદીમાં ફેંકી દીધો હતો. જોકે, સદનશીબે તેના હાથમાં એક દોરડું પકડાઇ જતાં તે હેમખેમ નદીના પિલ્લર પર ચઢી જતાં તેઓ આબાદ બચાવ થયો હતો. મામલામાં સવારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા અને તેનું નિવેદન લેવા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તે પોલીસને આડે પાટે ચઢાવતો હતો. જોકે, પોલીસે તેના ઘરે પહોંચી જઇ તેનું નિવેદન લેવા સાથે વ્યાજખોરના નંબર સહિતની વિગતો મેળવતાં તેના પર કોઇનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું. અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવાનું તેને જણાવતાં તેણે પોલીસ સામે સાચી હકીકત જણાવી હતી. પત્ની સાથે ઘરકંકાસથી ત્રાસી જઇ તે જાતે જ બાઇક લઇ બ્રિજ પર પહોંચ્યાં બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબુલાત કરી હતી. યેનકેન પ્રકારે પિલર પર ચઢી જઇ બચાવ માટે બુમરાણ કરતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેનો અવાજ સાંભળી તેને બચાવી લીધો હતો.
*રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ*