નવી દિલ્હી | ભારત સરકારે સોશિયલ મીડિયા દિગ્ગજ Meta સામે નિયમનકારી વલણ વધુ કડક બનાવ્યું છે. કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ મેટાને તેના પ્લેટફોર્મના કન્ટેન્ટ મોડરેશન અને ભલામણ આધારિત અલ્ગોરિધમમાં જરૂરી ફેરફારો કરવા તેમજ વિગતવાર કમ્પ્લાયન્સ રોડમેપ રજૂ કરવા જણાવ્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.
સરકારનું મુખ્ય ધ્યાન ડીપફેક, AIથી તૈયાર કરાયેલા ભ્રામક કન્ટેન્ટ, પ્રચારાત્મક સામગ્રી અને અન્ય ગેરકાયદેસર અથવા મેનિપ્યુલેટેડ કન્ટેન્ટના પ્રસારને રોકવા પર છે. મેટાની કન્ટેન્ટ ડિટેક્શન અને મોડરેશન સિસ્ટમ વધુ અસરકારક બનાવવા માટે ટેક્નિકલ સ્તરે સુધારા કરવાની પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
‘ગ્લોબલ પોલિસી’ નહીં, ભારતના કાયદા મહત્ત્વના
સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ભારતમાં કાર્યરત ડિજિટલ પ્લેટફોર્મ માટે માત્ર પોતાની વૈશ્વિક નીતિઓ પૂરતી નથી. પ્લેટફોર્મે ભારતીય કાયદા અને સ્થાનિક નિયમોનું પાલન કરવું જ પડશે.
આ સાથે ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા, સરકારી અધિકૃત એજન્સીઓ તરફથી મળતી ટેકડાઉન વિનંતીઓ પર ઝડપથી કાર્યવાહી કરવા તથા કન્ટેન્ટ મોડરેશનની વ્યવસ્થા મજબૂત કરવા અંગે પણ ચર્ચા થઈ છે.
મેટા માટે વધતું નિયમનકારી દબાણ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ફેસબુક પોસ્ટ થોડા સમય માટે પ્રતિબંધિત થવાની ઘટનાને પગલે પણ મેટા સામે સવાલો ઊભા થયા હતા. ત્યારબાદ મેટાએ ભારત સરકાર સમક્ષ ઓપરેશનલ ભૂલ બદલ માફી માંગી હતી. ડીપફેક અને અન્ય હાનિકારક કન્ટેન્ટ અંગે પણ સરકાર અને મેટા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
હવે સરકારની નજર માત્ર કન્ટેન્ટ દૂર કરવાની કાર્યવાહી પૂરતી મર્યાદિત નથી, પરંતુ કન્ટેન્ટ લોકો સુધી કેવી રીતે પહોંચે છે અને તેને પ્રોત્સાહન આપતા અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે તેના પર પણ છે.
જો મેટા સરકારની અપેક્ષાઓ મુજબ ફેરફારો કરે છે તો ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટની ભલામણ, ડિટેક્શન અને મોડરેશનની પ્રક્રિયામાં આગામી સમયમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે.











