સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર ૫૭ વર્ષીય હૈવાનને ગણતરીના કલાકોમાં પાટડી પોલીસે ઝડપ્યો

​સગીરા કુદરતી હાજતે ગઈ ત્યારે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી આચર્યું કૃત્ય; ભાઈને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

​સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની ૧૬ વર્ષીય સગીર વયની દીકરી સાથે ગામના જ એક શખસે ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સગીરા ગામમાં આવેલા સ્મશાન પાસે કુદરતી હાજતે ગઈ હતી તે દરમિયાન અગાઉથી જ તકેદારી રાખીને બેઠેલા પ્રહલાદ સોમાભાઈ ઠાકોર નામના શખ્સે એકલતાનો લાભ ઉઠાવીને સગીરાને નીચે પાડી દીધી હતી અને તેના મોં પર હાથ દઈ જબરદસ્તીથી આઘાતજનક કૃત્ય આચર્યું હતું.

​ઘટનાને અંજામ આપ્યા બાદ હેવાનિયતની તમામ હદો વટાવતા આરોપીએ સગીરાને ગંભીર ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને જણાવશે તો તેના ભાઈને જાનથી મારી નાખવામાં આવશે. આ ભય અને ધમકીના કારણે ગભરાઈ ગયેલી પીડિત સગીરા ઘરે પહોંચીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. દીકરીને સતત રડતી જોઈને તેની માતાએ પૂછપરછ કરતાં સગીરાએ હિંમત ભેગી કરીને પરિવાર સમક્ષ પોતાની ઉપર વીતેલી સમગ્ર આપવીતી રજૂ કરી હતી. વાસ્તવિકતા જાણીને સ્તબ્ધ થઈ ગયેલા પરિવારજનો તુરંત જ પોલીસ મથકે દોડી ગયા હતા અને આરોપી વિરુદ્ધ કાયદેસરની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં આરોપી પ્રહલાદ ઠાકોર ભુવાપણી કરી અને દાણા પણ જોતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે

​બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાટડી પોલીસે તાત્કાલિક ધોરણે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. પોલીસની સક્રિયતાના કારણે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ આ સંવેદનશીલ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. બી.સી. છત્રાલિયા ચલાવી રહ્યા છે, જ્યારે પોલીસે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE