સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે એક ઐતિહાસિક અને ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા દેશનું પ્રથમ ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની ક્લબમાં સામેલ થઈ ગયું છે, જેઓ પોતાની સ્વદેશી ટેક્નોલોજીથી મિસાઈલો અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિન ડિઝાઈન અને ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
એન્જિનનું નિર્માણ અને તેની વિશેષતાઓ
ડિઝાઇન અને ઉત્પાદન: આ અત્યાધુનિક એન્જિનને DRDOની બેંગલુરુ સ્થિત પ્રયોગશાળા ‘ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ’ (GTRE) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યારે હૈદરાબાદની ખાનગી ક્ષેત્રની કંપની ‘આઝાદ એન્જિનિયરિંગ’ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
એક્સપેન્ડેબલ (સિંગલ-યુઝ) એન્જિન: આ એક એક્સપેન્ડેબલ એટલે કે એક જ વાર ઉપયોગમાં લેવાતું એન્જિન છે. મિસાઈલ કે ડ્રોન લોન્ચ થયા બાદ આ એન્જિન તેને લક્ષ્ય સુધી પહોંચાડીને તેની સાથે જ નષ્ટ થઈ જાય છે. તેથી તેને લાંબા આયુષ્યને બદલે નાનું કદ, ઓછી કિંમત અને અત્યંત વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.











