ભારે વરસાદની આગાહીને પગલે સુરતની તમામ કપડાં માર્કેટ બંધ, ફોસ્ટાએ જાહેર કરી તાકીદની સૂચના

સુરત શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવ્યા બાદ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA)એ તાકીદનો નિર્ણય લીધો છે. શહેરની તમામ કપડાં માર્કેટ આજે, 31 જુલાઈના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફોસ્ટા દ્વારા વેપારીઓને મોકલાયેલા સંદેશામાં જણાવાયું છે કે, હવામાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ વેપારીઓએ પોતાની દુકાનો અને માર્કેટ તાત્કાલિક બંધ કરી સુરક્ષિત સ્થળે પહોંચી જવું જોઈએ. આ નિર્ણયનો મુખ્ય હેતુ વેપારીઓ, ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.

સુરતની ટેક્સટાઇલ માર્કેટ દેશની સૌથી મોટી વેપારી બજારોમાંની એક છે, જ્યાં દરરોજ લાખો રૂપિયાનો વેપાર થાય છે અને હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. આવા સમયે હવામાનની આગાહી વચ્ચે આગોતરા સાવચેતીરૂપે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવામાન વિભાગે શહેરમાં બપોર બાદ ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા તેમજ વાહનવ્યવહારને અસર પહોંચવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી.

ફોસ્ટાએ તમામ સભ્યોને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સતર્ક રહેવા અપીલ કરી છે. સુરતમાં હવામાનને લઈને વધતી ચિંતાઓ વચ્ચે વેપારી સંગઠન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE