નવગ્રહની કોતરણી અને અમેરિકન ડાયમંડથી શણગારાયેલ અનોખી ભેટ; ગુરુપૂર્ણિમાએ સાંઈ મંદિર ભક્તોથી છલકાયું
શિરડી: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મહારાષ્ટ્રના શિરડીમાં ભક્તિ અને આસ્થાનો અદભૂત નજારો જોવા મળ્યો. એક શ્રદ્ધાળુએ શ્રી સાંઈબાબાને અંદાજે ₹1 કરોડ કિંમતનો હીરા અને રત્નજડિત સુવર્ણ મુગટ અર્પણ કરીને પોતાની અનન્ય ભક્તિ વ્યક્ત કરી હતી. આ ભવ્ય મુગટે ગુરુપૂર્ણિમાના પર્વે મંદિરમાં આવેલા હજારો ભક્તોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, સુવર્ણ મુગટ પર નવગ્રહોની સુંદર કોતરણી કરવામાં આવી છે, જ્યારે તેને અમેરિકન ડાયમંડ અને વિવિધ કિંમતી રત્નોથી શણગારવામાં આવ્યો છે. ગુરુપૂર્ણિમાની વિશેષ પૂજા બાદ આ મુગટ સાંઈબાબાની પ્રતિમાને ધારણ કરાવવામાં આવ્યો હતો.
ગુરુપૂર્ણિમાને લઈને શિરડીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. કાકડ આરતી, વિશેષ પૂજન અને દર્શન માટે દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ અને “સાંઈનાથ મહારાજ કી જય”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ભક્ત દ્વારા અર્પણ કરાયેલા આ ભવ્ય મુગટને ગુરુપૂર્ણિમાની સૌથી વિશેષ ભેટ તરીકે જોવામાં આવી રહ્યો છે અને તેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.










