અમદાવાદ: ભારે વરસાદે અમદાવાદમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વહેલી સવારથી શરૂ થયેલી મેઘમહેર બાદ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો, જ્યારે અનેક રહેણાંક સોસાયટીઓના પાર્કિંગમાં વાહનો પાણીમાં ગરકાવ થયા છે.
ચાંદખેડા, ગોતા, નરોડા, મેમ્કો અને એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્રાગડ રોડ, IOC રોડ અને ડી-કેબીન રોડ સહિતના માર્ગો પર પાણી ફરી વળતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા.
ભારે વરસાદને પગલે શહેરના 17 અંડરબ્રિજમાંથી 8 હજુ પણ વાહનવ્યવહાર માટે બંધ છે. ખોખરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલી બસમાંથી ફાયર બ્રિગેડે 55 મુસાફીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. નિકોલ અને શેલા વિસ્તારમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી યથાવત છે. રાજ્યમાં NDRF, SDRF અને અન્ય એજન્સીઓ એલર્ટ મોડ પર છે, જ્યારે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.










