નવસારી-વલસાડમાં ધોધમાર વરસાદ યથાવત; રાજ્યના 165 તાલુકામાં મેઘમહેર, ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની રાહ
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. ગઈકાલે દિવસભર વરસ્યા બાદ આજે સવારે પણ અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા 30 કલાક દરમિયાન નવસારી અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં 8થી 9 ઇંચ સુધી વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદીઓમાં જળસ્તર વધવાની સ્થિતિ સર્જાઈ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર છ કલાકમાં જ 65 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.
વલસાડ જિલ્લાના પારડીમાં 208 મીમી, નવસારીના જલાલપોરમાં 202 મીમી, જ્યારે નવસારી, ચીખલી, ગણદેવી, વાપી, ધરમપુર, નાનાપોઢા અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના પલસાણા, બારડોલી અને શહેર વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે તાપી અને ડાંગ જિલ્લામાં પણ વ્યાપક વરસાદ થયો હતો.
રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં નોંધાયા હતા, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો હજુ પણ નોંધપાત્ર વરસાદથી વંચિત રહ્યા છે.
સરકારી આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 28.78 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 43.36 ટકા, સૌરાષ્ટ્રમાં 30.25 ટકા, મધ્ય ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા અને કચ્છમાં માત્ર 3.42 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના અસમાન વિતરણને કારણે રાજ્યના અન્ય વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.










