હળવદ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકની ટક્કરે 8 વર્ષના બાળકનું મોત, પિતા ઈજાગ્રસ્ત

સરા ચોકડી પાસે બાઈકને અડફેટે લેતા સર્જાઈ દુર્ઘટના; ટ્રક ચાલક સામે પોલીસ કાર્યવાહી શરૂ

હળવદ: હળવદ તાલુકાના સરા ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એક 8 વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે તેનો પિતા ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલ રાણેકપર ગામે મજૂરી કામ કરતા સંજયભાઈ ચંદુભાઈ ભીલ પોતાના પુત્ર કલ્પેશ સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ક્રોસ રોડ હોટલ પાસે GJ-12-BZ-9082 નંબરના ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજાઓને કારણે 8 વર્ષીય કલ્પેશનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું, જ્યારે પિતાની સારવાર ચાલી રહી છે.

મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અકસ્માતના કારણો અને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE