વાઈબ્રન્ટ ગુજરાત-2027 હશે અત્યાર સુધીની સૌથી મેગા સમિટ: વૈશ્વિક રોકાણ માટે ગુજરાતનું મેગા પ્લાનિંગ શરૂ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે જશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બ્રિટન અને જાપાનમાં કરશે રોકાણકારો સાથે રોડ શો

રાજકોટ: આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને અત્યાર સુધીની સૌથી વિશાળ અને પ્રભાવશાળી રોકાણ સમિટ બનાવવા રાજ્ય સરકારે વ્યૂહાત્મક તૈયારીઓ શરૂ કરી છે. વૈશ્વિક રોકાણ, નવી ટેકનોલોજી અને ઉચ્ચ સ્તરની ઔદ્યોગિક ભાગીદારીને કેન્દ્રમાં રાખીને સમિટને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સરકારના આયોજન મુજબ, આગામી દાયકાના વિકાસને ધ્યાનમાં રાખીને સેમિકન્ડક્ટર, એવિએશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ઈકોનોમી જેવા ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ રાજ્યમાં યોજાનારા ભાવિ આંતરરાષ્ટ્રીય રમતોત્સવો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ઝલક પણ વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવશે.

વાઈબ્રન્ટ ગુજરાત-2027 માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારોને આમંત્રિત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં અમેરિકાના સત્તાવાર પ્રવાસે જશે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ રહેશે, જેમાં અગ્રણી ઉદ્યોગ જૂથો, રોકાણકારો અને ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાશે.

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બ્રિટન અને જાપાનના પ્રવાસે જઈ વાઈબ્રન્ટ ગુજરાત-2027 માટે રોડ શો યોજશે. બ્રિટનમાં નવા વેપાર અને રોકાણની તકો અંગે ચર્ચા થશે, જ્યારે જાપાનમાં અદ્યતન ટેકનોલોજી, ઈન્ડસ્ટ્રીયલ સહયોગ અને રોકાણ વધારવા માટે વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ સાથે બેઠક યોજાશે.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, વરિષ્ઠ IAS અધિકારીઓની ટીમ પણ આ વિદેશ પ્રવાસોમાં જોડાશે અને વિવિધ દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ તથા વૈશ્વિક રોકાણકારો સાથે સીધો સંપર્ક સ્થાપીને સમિટ માટેનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક વધુ મજબૂત બનાવશે.

રાજ્ય સરકારનું માનવું છે કે વાઈબ્રન્ટ ગુજરાત-2027 માત્ર રોકાણ સમિટ નહીં, પરંતુ આગામી દાયકાના ગુજરાતના આર્થિક વિકાસ, વૈશ્વિક ભાગીદારી અને ઉચ્ચ ટેકનોલોજી આધારિત ઉદ્યોગોના નવા યુગની શરૂઆત સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE