રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર રેકેટનો વધુ એક પર્દાફાશ: વેપન કાર્ટેલ ગેંગના વધુ ત્રણ સાગરિત ઝડપાયા

PCBની તપાસમાં અત્યાર સુધી 17 આરોપીઓ ઝડપાયા, 34 દેશી હથિયારો અને 32 જીવતા કારતૂસ જપ્ત; સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ યથાવત

રાજકોટ: શહેરમાં ગેરકાયદેસર હથિયારોના વેપાર સામે ચાલી રહેલા વિશેષ અભિયાનમાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ને વધુ એક મોટી સફળતા મળી છે. વેપન કાર્ટેલ ગેંગની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી છે. આ સાથે સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધી 17 શખ્સોની ધરપકડ, 34 ગેરકાયદેસર દેશી હથિયારો અને 32 જીવતા કારતૂસ જપ્ત કરીને પોલીસે રાજ્યના સૌથી મોટા હથિયાર રેકેટમાંથી એકનો પર્દાફાશ કર્યો છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને પીઆઈ એમ.આર. ગોંડલીયાની આગેવાનીમાં PCB દ્વારા હથિયારોના ગેરકાયદેસર નેટવર્કને નેસ્તનાબૂદ કરવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આગાઉ ઝડપાયેલા મુખ્ય સૂત્રધારો શકીલ મન્સૂરી, પ્રદીપ કરપડા અને દર્શન ઉર્ફે ગાવસ્કરના રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં નવા ખુલાસા થયા હતા. આરોપી શકીલે કિશોર કોબીયા, વિપુલ સાંકળીયા અને સાવન ડાભીને હથિયારો સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપતા PCBએ ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં કિશોર ઉર્ફે ભગત વજા કોબીયા (ચોટીલા), વિપુલ ઉર્ફે ભોલુ ભરત સાંકળીયા (ચોટીલા) અને **સાવન કેશુ ડાભી (રાજકોટ)**નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ત્રણ દેશી પિસ્તોલ જપ્ત કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે કિશોરે દર્શન ઉર્ફે ગાવસ્કર પાસેથી બે હથિયારો મેળવ્યા હતા, જેમાંથી એક હથિયાર તેણે વિપુલને આપ્યું હતું. જ્યારે સાવન ડાભીએ મુખ્ય સૂત્રધાર શકીલ મન્સૂરી પાસેથી સીધું હથિયાર મેળવ્યું હોવાનું સ્વીકાર્યું છે. ત્રણેય આરોપીઓએ પોતાના વિસ્તારમાં દબદબો ઉભો કરવા અને રોફ જમાવવા માટે હથિયારો રાખ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

PCBના જણાવ્યા મુજબ, ગેંગના સમગ્ર નેટવર્ક, હથિયારોના સપ્લાયરો અને ખરીદદારો સુધી પહોંચવા તપાસ હજુ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં આંતરજિલ્લા સ્તરે ગેરકાયદેસર હથિયારોના સપ્લાય ચેઇનના સંકેતો પણ મળ્યા હોવાથી આગામી દિવસોમાં વધુ ધરપકડો અને મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

આ સમગ્ર ઓપરેશન પીઆઈ એમ.આર. ગોંડલીયાની આગેવાની હેઠળ પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઈ મયુર પાલરિયા, સંતોષ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE