સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં 2થી 7 ઈંચ વરસાદની સંભાવના; દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે
અમદાવાદ: રાજ્યમાં લાંબા વિરામ બાદ હવે ચોમાસું ફરી સક્રિય થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગામી 26થી 28 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં 2થી 7 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો-પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે, જેના સીધા પ્રભાવથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થશે. હાલમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત રહેશે, પરંતુ સપ્તાહના અંતથી વરસાદનું જોર વધવાની શક્યતા છે.
ખેતી માટે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ આગાહી રાહતના સમાચાર સમાન માનવામાં આવી રહી છે. વરસાદની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આજે રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટાં નોંધાયા હતા. રાજકોટમાં સવારે 8:30 વાગ્યે મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં હવામાં 87 ટકા ભેજ અને 8 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ પવનની ગતિ નોંધાઈ હતી.
હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી ત્રણ દિવસ રાજ્યના ચોમાસા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.











