લક્કીનાળાથી રામેન્દ્રા સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ; ડ્રગ્સ, દાણચોરી અને ઘુસણખોરી સામે વિશેષ ચેકિંગ અભિયાન
કચ્છ: દેશની પશ્ચિમ દરિયાઈ સરહદને વધુ સુરક્ષિત બનાવવા કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા હાઈ એલર્ટ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લક્કીનાળાથી રામેન્દ્રા સુધીના વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરીને દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સાથે દરેક શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખવામાં આવી હતી.
અભિયાન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને માછીમારી બોટોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત અવાવરૂ અને નિર્જન વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સતર્કતા વધારવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓએ ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી, દાણચોરી, સરહદી ઘુસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા માટે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. મરીન કમાન્ડો દ્વારા ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, કચ્છનો દરિયાકાંઠો રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી સમયાંતરે આવા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. મરીન કમાન્ડો, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા દળો વચ્ચે સતત સંકલન દ્વારા સમગ્ર દરિયાઈ સરહદ પર ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠાના માછીમારો અને સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બોટ કે ગતિવિધિ નજરે પડે તો તેની જાણ તાત્કાલિક નજીકની સુરક્ષા એજન્સીને કરે. આગામી દિવસોમાં પણ કચ્છના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે.











