રાજકોટના સોમનાથ-2માં પૈસાની લેતીદેતીમાં ખૂની ખેલ: ભત્રીજાએ કાકાની હત્યા કરી

જીવલેણ હુમલામાં બે અન્ય ઈજાગ્રસ્ત; વળતા હુમલામાં આરોપી હાર્દિક ધોળકિયા પણ ઘાયલ, યુનિવર્સિટી પોલીસ તપાસમાં

રાજકોટ: શહેરના સોમનાથ-2 વિસ્તારમાં પૈસાની લેતીદેતીનો વિવાદ રક્તરંજિત બની જતાં એક જ પરિવારના સભ્યો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. ભત્રીજાએ પોતાના કાકા પર જીવલેણ હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે હુમલામાં અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના દરમિયાન થયેલા વળતા હુમલામાં મુખ્ય આરોપી હાર્દિક ધોળકિયા પણ ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં તમામ ઘાયલોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા હતા તેમજ ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસ મુજબ, પૈસાની લેતીદેતીને લઈને બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે આ વિવાદ ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો અને અંતે જીવલેણ હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

યુનિવર્સિટી પોલીસે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, ઘટનાનું ચોક્કસ કારણ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE