સ્મશાન નજીકથી 4,452 બોટલ-ટીન દારૂ અને બર્ગમેન બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત; બજાણા પોલીસની કાર્યવાહી
સેડલા (સુરેન્દ્રનગર): સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સેડલા ગામે બજાણા પોલીસે વિદેશી દારૂના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે કરાયેલા દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 4,452 બોટલ અને ટીન તેમજ એક સુઝુકી બર્ગમેન મોટરસાયકલ મળી કુલ ₹5,35,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એન. કે. પટેલની દેખરેખમાં બજાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એ. કે. વાઘેલા અને તેમની ટીમે હાથ ધરી હતી.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સેડલા ગામના સ્મશાન નજીક દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂ ઉપરાંત અંદાજે ₹50 હજાર કિંમતની સુઝુકી બર્ગમેન મોટરસાયકલ પણ કબ્જે લીધી હતી.
આ મામલે બિસ્મિલ્લાખાન ઉર્ફે બિસુ મલેક, ઇમરાનખાન ઉર્ફે ઓબામા મલેક (રહે. પીપળી), તેમજ શાહરૂખખાન મલેક અને અશરફ ઉર્ફે ભુરો સિપાઈ (રહે. સેડલા) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ હવે દારૂના જથ્થાનો સ્ત્રોત, સપ્લાય ચેઇન તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.
રિપોર્ટ: સોહિલ શેખ, ધાંગધ્રા (સુરેન્દ્રનગર)











