બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત, જુલાઈના અંતે ગુજરાતમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રીની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડતાં ખેડૂતો સહિત લોકોમાં ચિંતા વધી રહી છે. જોકે હવામાન નિષ્ણાતોએ રાજ્ય માટે સારા સમાચાર આપ્યા છે. બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં નવી લો-પ્રેશર સિસ્ટમ વિકસવાની સંભાવના હોવાથી જુલાઈના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહ દરમિયાન તેજ પવનના કારણે વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ સક્રિય બની શકી નહોતી. હવે પવનની ગતિમાં ઘટાડો થતાં રાજ્યમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. અરબી સમુદ્રમાં સક્રિય મોન્સૂન ઓફશોર ટ્રફ પણ વરસાદી પ્રવૃત્તિને વેગ આપશે.

આગામી 20 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે આ સમયગાળા દરમિયાન વ્યાપક અથવા અતિ ભારે વરસાદની સંભાવના ઓછી હોવાનું અનુમાન છે.

હાલ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાત પર તેની ખાસ અસર નહીં થાય. પરંતુ 23 જુલાઈની આસપાસ વધુ એક લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે અને જો તેનો ટ્રફ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે.

હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 25થી 31 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ કૃષિ તેમજ જળાશયોમાં પાણીની આવક માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ઓગસ્ટ મહિનામાં પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક પછી એક વરસાદી સિસ્ટમોના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે ખેડૂતોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE