રાજસ્થાન બાદ મહારાષ્ટ્ર પણ એક્શનમાં: એનર્જી ડ્રિંક્સ પર કડક નિયંત્રણ, ગુજરાતમાં પણ નિર્ણયની ચર્ચા

અમદાવાદ: યુવાનો અને બાળકોમાં ઝડપથી વધી રહેલા એનર્જી ડ્રિંક્સના ઉપયોગને લઈને હવે અનેક રાજ્યો સતર્ક બન્યા છે. રાજસ્થાન સરકારે કેટલીક જાણીતી એનર્જી ડ્રિંક્સ સામે કડક કાર્યવાહી કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે પણ સ્કૂલોની આસપાસ તેમના વેચાણ પર નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે ગુજરાતમાં પણ આવા ઉત્પાદનો પર કડક નિયમો કે પ્રતિબંધ લાદવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે, જોકે રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા અને આકર્ષક જાહેરાતોના કારણે Red Bull, Sting, Monster, Hell Energy, Campa Energy સહિતની એનર્જી ડ્રિંક્સ યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે આવા પીણાંનું વધુ પડતું સેવન લાંબા ગાળે શરીર માટે નુકસાનકારક બની શકે છે.

કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જય સંઘવીએ જણાવ્યું હતું કે એનર્જી ડ્રિંક્સમાં રહેલા કેફીન અને શુગરનું ઊંચું પ્રમાણ હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરના મેટાબોલિઝમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ખાસ કરીને બાળકો, કિશોરો અને હૃદયના દર્દીઓએ આવા પીણાંથી સાવચેત રહેવાની જરૂર છે.

તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કેટલીક મોટી એનર્જી ડ્રિંક ઉત્પાદક કંપનીઓને નોટિસ પાઠવી હતી. કંપનીઓ દ્વારા જાહેરાતોમાં કરવામાં આવતા કેટલાક દાવાઓ ગ્રાહકોમાં ગેરસમજ ઊભી કરી શકે છે કે નહીં તે મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રાજસ્થાનમાં ફૂડ સેફ્ટી વિભાગે રાજ્યભરમાં વિશેષ તપાસ અભિયાન ચલાવી મોટી સંખ્યામાં એનર્જી ડ્રિંક્સનો જથ્થો જપ્ત કર્યો હતો. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલોના 500 મીટરના વિસ્તારમાં Sting એનર્જી ડ્રિંકના વેચાણ પર નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે અને આ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર થવાની શક્યતા છે.

ગુજરાતમાં હાલ એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમ છતાં અન્ય રાજ્યોમાં લેવાયેલા પગલાં બાદ રાજ્યમાં પણ આ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા બાળકો તથા યુવાનોમાં આવા પીણાંના વધતા ઉપયોગ અંગે જાગૃતિ લાવવાની માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE