₹53 હજાર કરોડમાં IDBI બેંકનું વેચાણ નક્કી: દેશના બેંકિંગ ક્ષેત્રની સૌથી મોટી વિનિવેશ ડીલને મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના બેંકિંગ ઇતિહાસની સૌથી મોટી વિનિવેશ ડીલને મંજૂરી આપી છે. કેનેડાની અગ્રણી રોકાણ કંપની ફેરફેક્સ હોલ્ડિંગ્સ હવે સરકારી ક્ષેત્રની IDBI બેંકમાં નિયંત્રણકારી હિસ્સો ખરીદશે. આશરે ₹53,000 કરોડના આ સોદાને સરકારની અંતિમ મંજૂરી મળતા બેંકિંગ ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ થવા જઈ રહ્યું છે.

નાણાં મંત્રાલયની ઉચ્ચસ્તરીય ચર્ચા બાદ ફેરફેક્સ હોલ્ડિંગ્સે પોતાની ખરીદી ઓફર વધારી ₹81 પ્રતિ શેર કરી હતી, જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારતીય મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ પ્રેમ વત્સની માલિકીની આ કંપની હવે IDBI બેંકમાં મોટો હિસ્સો હસ્તગત કરશે.

આ ઐતિહાસિક સોદા હેઠળ કેન્દ્ર સરકાર પોતાના 45.48 ટકા હિસ્સામાંથી 30.48 ટકા હિસ્સો વેચશે, જેના બદલામાં સરકારને અંદાજે ₹26,620 કરોડની આવક થશે. બીજી તરફ સહ-પ્રમોટર LIC પણ પોતાનો 30.24 ટકા હિસ્સો વેચશે. બંનેનો હિસ્સો મળીને ડીલનું કુલ મૂલ્ય આશરે ₹53 હજાર કરોડ (5.5 અબજ ડોલર) સુધી પહોંચશે.

સોદો પૂર્ણ થયા બાદ ફેરફેક્સ હોલ્ડિંગ્સ સેબીના નિયમો અનુસાર સામાન્ય શેરધારકો માટે ઓપન ઓફર પણ જાહેર કરશે.

અગાઉ વર્ષ 2025માં Emirates NBD દ્વારા RBL બેંકમાં થયેલું 2.75 અબજ ડોલરનું રોકાણ દેશની સૌથી મોટી વિદેશી બેંકિંગ ડીલ ગણાતું હતું. હવે IDBI બેંકનો આ સોદો તે રેકોર્ડને પાછળ છોડી દેશના બેંકિંગ ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચશે.

આ સમાચારની અસર શેરબજારમાં પણ જોવા મળી હતી. રોકાણકારોના ઉત્સાહ વચ્ચે IDBI બેંકનો શેર 2.9 ટકા ઉછળી ₹86.54 પર બંધ થયો હતો. સરકારને વિશ્વાસ છે કે આ ડીલથી ચાલુ નાણાકીય વર્ષમાં વિનિવેશ દ્વારા ₹80,000 કરોડ એકત્ર કરવાની યોજનાને મોટો વેગ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE