અમદાવાદ: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ વરસાદી રાઉન્ડ બાદ હવે ચોમાસાની ગતિ ધીમી પડી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ 17 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદની જ શક્યતા છે, જ્યારે ભારેથી અતિભારે વરસાદની કોઈ સંભાવના દર્શાવવામાં આવી નથી.
હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 223.88 મીમી, એટલે કે સીઝનનો 24.63 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજકોટ શહેરમાં અત્યાર સુધી માત્ર 125 મીમી, એટલે કે 14.42 ટકા વરસાદ જ નોંધાતા વરસાદની મોટી ખાધ યથાવત રહી છે. સામાન્ય રીતે રાજકોટમાં સિઝન દરમિયાન સરેરાશ 867 મીમી (આશરે 32 ઇંચ) વરસાદ પડે છે, જ્યારે આ વખતે પ્રથમ રાઉન્ડમાં માત્ર પાંચ ઇંચ જેટલો જ વરસાદ થયો છે.
રાજકોટ જિલ્લામાં કુલ 18.68 ટકા વરસાદ નોંધાયો છે. ધોરાજી, ગોંડલ, જેતપુર, ઉપલેટા અને કોટડા સાંગાણી જેવા તાલુકાઓમાં સારો વરસાદ થતાં જિલ્લાની સરેરાશ વધી છે, પરંતુ જસદણમાં 3.81 ટકા, પડધરીમાં 6.28 ટકા અને વીંછીયામાં 9.76 ટકા વરસાદ જ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની અસમાન સ્થિતિ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 0.92 ટકા, જામનગરમાં 9 ટકા, મોરબીમાં 9.57 ટકા અને પોરબંદરમાં 11.56 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 43 ટકા, ગીર સોમનાથમાં 40 ટકા તથા ભાવનગરમાં 33 ટકા વરસાદ નોંધાતા દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે.
ઝોનવાઇઝ આંકડાઓ મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, મધ્ય ગુજરાતમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં માત્ર હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. બીજી તરફ કોંકણ અને ગોવા વિસ્તારમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હાલ ચોમાસાની રેખા ઉત્તર ભારત તરફ સક્રિય છે, જ્યારે પશ્ચિમી વિક્ષેપ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી હવામાન પ્રણાલીઓની અસર દેશના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં હવે આગામી લો-પ્રેશર સિસ્ટમ અને નવા વરસાદી રાઉન્ડ પર ખેડૂતો સહિત સૌની નજર મંડાઈ છે.










